બેફામ કારચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજા, ઘટના બાદ ફરાર થયો હતો
સીસીટીવી અને ટેકનિકલ સોર્સિસના આધારે સયાજીપુરાથી 29 વર્ષીય શખ્સ ઝડપાયો
વડોદરા: શહેરના વ્યસ્ત એમ.જી. રોડ, માંડવી અને પાણીગેટ વિસ્તારમાં ગત રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં સીટી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે. બેફામ કાર ચલાવી રાહદારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ફરાર થયેલા 29 વર્ષીય ધ્રુવકુમાર હર્ષદભાઈ પટેલને સયાજીપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, આરોપી પોતાની કારને જોખમી રીતે અને વધુ ઝડપે હંકારી રહ્યો હતો, જેના કારણે માર્ગ પર અફરાતફરી મચી હતી. આ દરમિયાન એક રાહદારીને જોરદાર ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ACP જી-ડિવિઝન એમ.પી. ભોજાણી અને PI કે.ડી. માંગરોલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. PSI એસ.સી. પટેલ અને ટીમે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું સ્થાન શોધી કાઢ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 281 અને 125(એ) તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.