Vadodara

વડોદરામાં હવાની ગુણવત્તા ઘટી, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમા ટોપ 10 માંથી બહાર

130થી વધુ હવા પ્રદૂષણની ફરિયાદો બાદ સ્વચ્છ વાયુ રેન્કિંગ ઘટ્યું

ઉદ્યોગ વિસ્તારમાંથી ગંદી હવા અને કચરો બળાવવાની સમસ્યાએ નાગરિકોમાં ચિંતાનો માહોલ

વડોદરા શહેરે છેલ્લા બે વર્ષમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વર્ષે શહેરનું સ્થાન નીચે ધકેલાયું છે. વર્ષ 2021માં વડોદરા છઠ્ઠા ક્રમાંક પર અને 2022માં સાતમા ક્રમાંક પર હતું. જોકે, આ વર્ષે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 44 શહેરોમાં વડોદરા 14મા ક્રમાંકે પહોંચી ગયું છે. આથી શહેર આ વર્ષે ટોપ-10 રેન્કમાંથી બહાર થઈ ગયું છે. શહેરમાં હવાના પ્રદૂષણની સમસ્યા તાજેતરના મહિનાઓમાં વધી રહી છે. છેલ્લા છ મહિનામાં નાગરિકોએ મહાનગરપાલિકાને 130થી વધુ ઑનલાઇન ફરિયાદો કરી છે. સૌથી વધુ ફરિયાદો ઉદ્યોગ વિસ્તારમાંથી આવતી ગંદી દુર્ગંધ અને ધૂળકણ અંગે કરવામાં આવી હતી. નાગરિકોનું કહેવું છે કે કેટલીક જગ્યાએ કચરો બળાવવાની પ્રવૃત્તિઓ પણ હવાની ગુણવત્તાને ખરાબ બનાવે છે.

વડોદરા આસપાસ આવેલાં ઉદ્યોગ એકમોમાંથી ઘણીવાર દુર્ગંધવાળી અને પ્રદૂષિત હવા છોડવામાં આવે છે. આ અંગે નાગરિકો વારંવાર પાલિકાને ફરિયાદો કરે છે, પરંતુ તાત્કાલિક અને નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં શહેરનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત આ સર્વેક્ષણ માટે દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો. આ યાદીમાં સુરત સતત બીજા વર્ષ ટોપ-3માં રહ્યું છે. ગત વર્ષે સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે આ વર્ષે તેનો ક્રમાંક પણ બે નંબર પાછળ ગયો છે. તેમ છતાં સુરત આગ્રા સાથે ત્રીજા ક્રમાંક પર આવ્યું છે. વડોદરાના નાગરિકોમાં હવાની ખરાબ ગુણવત્તાને લઈને ચિંતાનો માહોલ છે. શહેર ટોપ-10માંથી બહાર જવું એ ચેતવણી સમાન છે. મહત્વનું છે કે હવે ઉદ્યોગ વિસ્તારની ગંદી હવા, કચરો બળાવવાની સમસ્યા અને પ્રદૂષણ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાય.

Most Popular

To Top