Vadodara

વડોદરામાં હંગામી પાર્કિંગ પોલીસી અમલમાં : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી રચાશે

પાર્કિંગ પોલિસી માટે સાત સભ્યોની કમિટી અને નવી માર્ગદર્શિકા, શહેરમાં ટ્રાફિક કંટ્રોલ અને નાગરિકને સુવિધા પૂરી પાડવા આયોજન”

વડોદરા: શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને અનધિકૃત પાર્કિંગ સામે કાબૂ મેળવવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંગામી પાર્કિંગ પોલીસી અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હુકમ અંક 92/25-26 તા. 25 જુલાઇ 2025 પ્રમાણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી રચવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શહેરના નાગરિકોને પાર્કિંગ માટે સગવડતા અને વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી આ કમિટી દ્વારા પ્રાથમિક આયોજન હાથ ધરાશે. ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહનો સુવ્યવસ્થિત રીતે પાર્ક થાય તે દિશામાં નિયમો ઘડાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબ પાર્કિંગ પોલીસી અંતર્ગત સમગ્ર કામગીરી ઝોન કક્ષાએ અમલમાં મુકાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. સાથે સાથે પાલિકા હસ્તકના ખાલી પ્લોટ્સ, બ્રીજ નીચેની જગ્યા, તેમજ નેશનલ હાઇવે બ્રીજની નીચેની જગ્યાઓ પાર્કિંગ માટે નક્કી કરવામાં આવશે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ શહેર માટે વિગતવાર પાર્કિંગ પોલીસી તૈયાર કરી રાજ્ય સરકારને મંજુરી માટે મોકલવામાં આવી હતી, જે હજુ સુધી મંજુરી અર્થે પડતર છે. સરકારની અંતિમ મંજુરી મળ્યા સુધી હાલની હંગામી પોલીસી અમલમાં રહેશે.
કમિટીની રચના તથા હંગામી પાર્કિંગ પોલીસી અમલમાં મૂકવા માટે સંબંધિત નીતિ-નિયમો ઘડવા અને આગળની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તાઓ આપવામાં આવશે. કમિટી દ્વારા કાર્યને વેગ આપવા માટે નિયમિત રીતે બેઠકો યોજવામાં આવશે અને તેનું અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને રજુ કરવામાં આવશે.
શહેરમાં પાર્કિંગની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવાનું તથા ટ્રાફિકનો તાણ ઘટાડવાનું ઉદ્દેશ ધરાવતી આ હંગામી પાર્કિંગ પોલીસી વડોદરા નાગરિકોને રાહતરૂપ સાબિત થવાની શક્યતા છે.

સમિતિ આ કામો પર ફોકસ કરશે

જાહેર પાર્કિંગ માટે નવી અને અસરકારક નીતિ તૈયાર કરવી, અનઅધિકૃત પાર્કિંગ દૂર કરવા સત્તાવાર પાર્કિંગ સ્થળો નક્કી કરવા, પાલિકા હસ્તકની જગ્યાઓમાં પે એન્ડ પાર્કીંગ સિસ્ટમ અમલમાં મૂકવા, ફી તથા દંડના ધોરણો નક્કી કરવા, તેમજ કન્ટ્રોલ અને મોનીટરીંગના નિયમો બનાવવા.

Most Popular

To Top