છ મહિના વીત્યા બાદ પણ 505 ફરિયાદોનો નિકાલ હજી થયો નથી.
વડોદરા મહાનગર પાલિકાને 1 જાન્યુઆરીથી 5 જુલાઈ 2025 દરમિયાન શહેરની સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સંબંધિત 11,885 ફરિયાદો મળી છે. આ મુદ્દે નાગરિકોની સતત અસંતોષના સિગ્નલ તરીકે આ આંકડો સામે આવ્યો છે. 505 ફરિયાદો એવી છે કે, આજે પણ તેનું નિવારણ નથી થયું, જે પાલિકા તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કરે છે. ફરિયાદોની સંખ્યા પ્રમાણે જો તપાસ કરવામાં આવે તો વોર્ડ નં. 5માં સૌથી વધુ 867 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 853નું સમાધાન કરાયું છે. આ સિવાય, વોર્ડ નં. 10માં 725 ફરિયાદો, વોર્ડ નં. 11માં 820 ફરિયાદો અને વોર્ડ નં. 6માં 585 ફરિયાદો પણ ટોચ પર છે. બીજી બાજુ, સૌથી ઓછી 240 ફરિયાદો વોર્ડ નં. 16માં નોંધાઈ છે, જેમાંથી 227નું નિરાકરણ થયું છે જ્યારે 13 ફરિયાદોનો નિકાલ હજી બાકી છે. વિશેષરૂપે વોર્ડ નં. 10માં 725માંથી 66 ફરિયાદો હજુ સુધી ખુલ્લી છે, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી વધુ બાકી રહેલી ફરિયાદો દર્શાવે છે. એ રીતે, વોર્ડ નં. 8 માં 39 ફરિયાદો અને વોર્ડ નં. 11 માં 34 ફરિયાદો હજી સુધી પડકારરૂપ સ્થિતિ દર્શાવે છે.
વડોદરામાં સ્વચ્છતા માટે પૂરતા વાહનો જ નથી!
વડોદરા શહેરમાં 1000 થી 1200 ઘરો માટે એક જ ગાર્બેજ કલેક્શન વાહન ઉપલબ્ધ છે, જ્યારે આ સંખ્યા બેથી ત્રણ ગણી વધે તે જરૂરી છે. હાલમાં, વડોદરા શહેરમાંથી દરરોજ આશરે 1200 ટન કચરો એકઠો થાય છે. આ કચરાને ઉઠાવવા માટે પાલિકાના ડોર ટુ ડોર અને ઓપન સ્પોટ પરના કુલ 444 વાહનો કાર્યરત છે. પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઇન્દોરમાં સફાઈ વ્યવસ્થાના પાઠ શીખવા ગયા હતા. ઇન્દોર એ ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં એક છે. ઇન્દોરમાં દરરોજ આશરે 1554 ટન કચરો એકઠો થાય છે, જે માટે 850 જેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે.
વિવિધ ઝોન પ્રમાણે વાહનોની સંખ્યા
ઉત્તર ઝોન : 100 વાહનો
પૂર્વ ઝોન : 100 વાહનો
પશ્ચિમ ઝોન : 153 વાહનો
દક્ષિણ ઝોન : 91 વાહનો