Vadodara

વડોદરામાં સ્માર્ટ મુસાફરી તરફ એક પગલું : શહેરમાં લગાવાશે 200 નવા માર્ગદર્શક બોર્ડ્સ


(પ્રતિનિધિ), વડોદરા. તા. 8
વડોદરા શહેરમાં હવે મુસાફરી વધુ સરળ અને સુગમ બનવાની છે. શહેરને વધુ સ્માર્ટ અને નાગરિકમૈત્રી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને માર્ગ શોધવામાં સહાય મળે તે માટે શહેરના મુખ્ય માર્ગો પર ભૌતિક માર્ગદર્શક બોર્ડ્સ લગાવવામાં આવી રહ્યા છે.
આ પહેલ પાછળનું મુખ્ય કારણ એ છે કે વાહન ચલાવતી વખતે ગૂગલ મેપ જેવા ડિજિટલ સાધનો પર વધુ નિર્ભરતા ક્યારેક જોખમી બની શકે છે. તેથી કોર્પોરેશને હવે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પષ્ટ અને સરળ માર્ગદર્શક બોર્ડ્સ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.
આ યોજના અંતર્ગત શહેરના વ્યસ્ત વિસ્તારો અને મહત્વપૂર્ણ સ્થળોએ કુલ 200 જેટલા બોર્ડ્સ લગાવવાના છે. આ બોર્ડ્સમાં રસ્તાની દિશા ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો, સરકારી અને ખાનગી હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ તેમજ ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોની માહિતી આપવામાં આવશે.
મહાનગરપાલિકાની ટ્રાફિક પ્રોજેક્ટ શાખા દ્વારા આ કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા બોર્ડ્સ લગાવી દેવામાં આવ્યા છે. બોર્ડ્સમાં અક્ષરોનું કદ અને રંગો એવી રીતે પસંદ કરાયા છે કે વાહનચાલકો દૂરથી પણ સરળતાથી માહિતી વાંચી શકે.
આ પહેલનો સૌથી મોટો લાભ ટેકનોલોજીથી ઓછા પરિચિત લોકો માટે થશે. ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે આ બોર્ડ્સ માર્ગદર્શનરૂપ સાબિત થશે. ઉપરાંત, બહારથી આવતા પ્રવાસીઓને વારંવાર રસ્તો પૂછવાની જરૂર નહીં પડે અને ટ્રાફિકમાં ગૂંચવણ તથા અકસ્માતોની સંભાવના પણ ઘટશે.

Most Popular

To Top