“ક્યાં સુધી મોદીના નામે વોટ માંગશો? સ્થાનિક પાટીદાર નેતાઓને ટિકિટ આપો” લાલગુરુ સર્કલ પાસે લાગેલા પોસ્ટરોએ રાજકારણ ગરમાવ્યું

વડોદરા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા લાલગુરુ સર્કલ પાસે અચાનક પાટીદાર સમાજ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોને કારણે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પોસ્ટરો દ્વારા પાટીદારોએ આગામી ચૂંટણીમાં જ્ઞાતિવાદના સમીકરણોને ધ્યાને રાખી પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપવાની પ્રબળ માંગ કરી છે.

લાલગુરુ સર્કલ પાસે લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં સીધો સવાલ કરવામાં આવ્યો છે કે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓને ક્યાં સુધી ઊભા રાખી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વોટ માંગશો?” પોસ્ટરોમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે હવે પાટીદારોને તક આપો અને પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી તેમને વિજેતા બનાવો.
વડોદરાનો પશ્ચિમ વિસ્તાર પાટીદાર બહુલ ગણાતો વિસ્તાર છે. અગાઉ લોકસભાની ચૂંટણી સમયે પણ આ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા હતા. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો અને દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્વે જ આ પ્રકારનું ‘પોસ્ટર વોર’ શરૂ થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં મનોમંથન શરૂ થયું છે. ખાસ કરીને સત્તાધારી પક્ષમાં ટિકિટ વહેંચણીને લઈને આંતરિક નારાજગી અને જ્ઞાતિવાદના સમીકરણો સપાટી પર આવ્યા હોય તેમ જણાય છે.
નોંધનીય છે કે, વડોદરામાં તાજેતરમાં ‘પત્રિકા કાંડ’ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, જેમાં અલ્પેશભાઈની પુનઃ વાપસી અને પૂર્વ મેયર નીલેશભાઈ રાઠોડના નિવેદનોએ વિવાદ જન્માવ્યો હતો. આ કાંડમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીની માંગ વચ્ચે હવે આ નવું ‘પોસ્ટર વોર’ શરૂ થયું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્ઞાતિના આધારે ટિકિટની માંગણી આગામી દિવસોમાં પક્ષો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ચૂંટણી પહેલા જે રીતે પશ્ચિમ વિસ્તારમાં માહોલ ગરમાયો છે, તેને જોતા આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની માંગ ઉઠે તો નવાઈ નહીં. હાલ તો લાલગુરુ સર્કલ પાસેના આ પોસ્ટરો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.