Vadodara

વડોદરામાં સી.આર.પાટીલની સભામાં ખટંબાના સરપંચે રોષ ઠાલવ્યો

  • એક વર્ષથી શાળા માટે રજૂઆત કરું છું છતાં કઈ ન થતા સરપંચ લાલચોળ
  • કાર્યાલય બનાવો એ સારી વાત છે પણ શાળાઓ પણ બનાવવી જોઈએ ને :  કમલેશ વાળંદ

વડોદરા ખાતે જિલ્લા ભાજપાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એક તરફ પ્રદેશ અધ્યક્ષનું ભાષણ શરૂ થયું હતું ત્યાં એક ગામના સરપંચ પોતાના ગામમાં શાળાના બાંધકામ માટે જાહેરમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.જોકે ત્યાર બાદ અન્ય કાર્યકરો આ સરપંચને સાઈડમાં લઈ ગયા હતા.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે જિલ્લા ભાજપાના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ઉદબોધન ચાલી રહ્યું હતું ત્યારે વડોદરાના ખટંબાના સરપંચ કમલેશભાઈ વાળંદ મંચની સામે આવી ગયા હતા અને પોતાના ગામમાં શાળા નથી તેવી રજૂઆત કરી હતી. કેટલીય રજૂઆત કરવા છતાં ગામમાં શાળા નથી અને બાળકોએ બીજે અભ્યાસ કરવા જવું પડે છે. જાહેર મંચ પરથી પાટીલે શાળા બની જશે એમ જણાવ્યું હતું..તેમ છતાં સરપંચ રજૂઆત કરતા જ રહ્યા હતા. અને જણાવ્યું હતું કે એક વર્ષથી રજૂઆત કરું છું છતાં કઈ થયું નથી.  ત્યાર બાદ અન્ય કાર્યકરો આ સરપંચને  સાઈડમાં લઈ ગયા હતા. સરપંચ કમલેશભાઈ એ જણાવ્યું હતું કે કાર્યાલય બનાવો વાંધો નહી પરંતુ ગામમાં શાળા પણ જરૂરી છે.

અને પાટીલનો પિત્તો ગયો

ખટંબાના સરપંચ એક જ વાતને પકડીને બેઠા હતા. જાહેર મંચ ઉપરથી સી.આર. પાટીલે જણાવ્યું કે શાળા બની જશે. તેમ છતાં સરપંચ જીદે ચઢાય ત્યારે જાહેર મંચ ઉપર જ પ્રદેશ અધ્યક્ષનો પિત્તો ગયો હતો અને જણાવ્યું હતું કે એક વાર કહ્યું ને તમને કે બની જશે. જો કે પાટિલના બદલાયેલા તેવા જોઈ અન્ય કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા અને સરપંચ કમલેશ વાળંદને મંચની સાઈડમાં લઇ ગયા હતા.

કાર્યાલયોના નિર્માણમાં ગુજરાત સૌથી મોખરે : સી.આર.પાટીલ

વડોદરા જિલ્લા ભાજપાનું કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ, ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખો, મહામન્ત્રીઓ સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન કર્યા બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કાર્યાલય એટલે કાર્યમાં લાય આપનાર સ્થળ. હવે કાર્યકરોએ અન્ય કોઈ સ્થળ નહિ શોધવું પડે. આખાયે દેશમાં નવા કાર્યાલયોનું નિર્માણ ચાલી રહ્યું છે તેમાં ગુજરાત સૌથી મોખરે છે. હવે થોડા જ જિલ્લાઓમાં કાર્યાલયો બનવાના બાકી છે.  સમગ્ર રાજ્યની 26 બેઠક ઉપર ભાજપા જીતશે. પરંતુ તમામ બેઠકો ઉપર 5 લાખથી વધુની લીડથી જીતવાનો ટાર્ગેટ છે. જેમાં વડોદરા જિલ્લા હેઠળ આવતી 3 બેઠકો માટે પણ કાર્યકરોએ કામે લાગી જવું પડશે.

જિલ્લા પ્રમુખ સામે પ્રદેશ અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી

જિલ્લા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સી.આર. પાટીલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કાર્યાલયના નિર્માણમાં સૌથી મોટો ફાળો પરાક્રમસિંહ જાડેજાનો છે. અશ્વિન પટેલે પણ સારી મદદ કરી છે.  જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા સામે નારાજગી વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓએ તો માત્ર પોતું મારવાનું કામ કર્યું છે. આ કાર્યાલયના નિર્માણમાં તેઓનો એટલો મોટો ફાળો રહ્યો નથી. જિલ્લા પ્રમુખથી પાપડ પણ તૂટતો નથી. જાહેર મંચ ઉપરથી આમ કહી તેઓએ સતીશ નિશાળિયા સામે ખુલ્લામાં નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે સી.આર. પાટીલની આ વાતથી હવે અનેક રાજકીય ચર્ચાઓ પણ ચાલવા માંડી છે. 

નવનિર્મિત ઓફિસમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ 

કપૂરાયે ચોકડી નજીક જિલ્લા ભાજપાના ભવ્ય કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશાલ જગ્યામાં આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. જો કે ઉદઘાટન પ્રસંગે આ કાર્યાલયનું નિરીક્ષણ કરતા એકેય સ્થળે ફાયર સેફટી સુવિધાના સાધનો જણાઈ આવ્યા ન હતા. આટલા મોટા કાર્યાલયમાં ફાયર સેફટીની સુવિધા જ ઉભી નથી કરવામાં આવી? મોટી ઇમારતોમાં સામાન્ય રીતે અલગથી મોટા પાઇપ સાથે આ સુવિધા ઉભી કરવાની હોય છે પરંતુ આ કાર્યાલયમાં એવું કઈ જોવા મળ્યું ન હતું. 

વડોદરાનો વિકાસ નથી થયો તે બાબતે સ્થાનિક નેતાગીરી જવાબદાર 

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પત્રકારો સાથે અનૌપચારિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પત્રકારો દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો હતો કે સુરત અને અમદાવાદ કરતા વડોદરા વિકાસમાં પાછળ છે. અને તાજેતરમાં મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી જેના જવાબમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સ્થાનિક નેતાગીરીએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવું જોઈએ. મારી પણ ભૂલ છે કે આ બાબતે મેં જોઈએ એટલું ધ્યાન નથી આપ્યું પરંતુ હવે આ બાબતે સ્થાનિક નેતાગીરી સાથે વાતચીત કરી આયોજન કરીશું 

Most Popular

To Top