Vadodara

વડોદરામાં ‘સાહેબ’ની ગાડીને કાયદો નડતો નથી? SDMની કારમાં કાળા કાચ અને નંબર પ્લેટ ગાયબ!


સામાન્ય જનતા પાસે દંડ ઉઘરાવતી ટ્રાફિક પોલીસ સરકારી ગાડી સામે લાચાર: શું નિયમો માત્ર આમ આદમી માટે જ છે?

વડોદરા: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી નિયમ ભંગ બદલ મસમોટો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ જ્યારે વાત ઉચ્ચ અધિકારીઓની આવે છે ત્યારે તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. તાજેતરમાં વડોદરાના એક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સરકારી ગાડી ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી જોવા મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.ડી.એમ.ની આ સરકારી ગાડીમાં કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ લગાવેલી જોવા મળી હતી. એટલું જ નહીં, ગાડીની આગળના ભાગે નિયમ મુજબની નંબર પ્લેટ પણ ગેરહાજર હતી. સામાન્ય રીતે જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડીમાં કાળા કાચ રાખે અથવા નંબર પ્લેટ વગર વાહન ચલાવે તો પોલીસ તાત્કાલિક મેમો ફાડે છે અથવા ગાડી ડિટેન કરે છે. પરંતુ આ કિસ્સામાં સરકારી ગાડી હોવાને કારણે પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

શહેરના જાગૃત નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય જનતાને હેરાન કરવા માટે જ છે? ઉચ્ચ અધિકારીઓ માટે નિયમોમાં છૂટછાટ કેમ આપવામાં આવે છે? જો કાયદાના રક્ષક અને અમલીકરણ કરાવનારા અધિકારીઓ જ કાયદાનું ઉલ્લંઘન કરશે તો જનતા પાસે શિસ્તની અપેક્ષા કઈ રીતે રાખી શકાય?


​”કાયદો સૌ માટે સમાન… કે માત્ર સૂત્ર?”…
​વડોદરામાં બનેલી આ ઘટનાએ ન્યાય પ્રણાલી સામે સવાલિયા નિશાન ઉભું કર્યું છે. એક તરફ સામાન્ય માણસ હેલ્મેટ કે સીટ બેલ્ટ ભૂલી જાય તો પોલીસ ત્રાટકે છે, જ્યારે બીજી તરફ જવાબદાર પદ પર બેઠેલા અધિકારીની ગાડીમાં ‘બ્લેક ફિલ્મ’ અને ‘નંબર પ્લેટ’ ન હોવા છતાં તંત્ર મૌન કેમ? શું ખાખીનો ખોફ માત્ર સામાન્ય ખિસ્સા પર જ ચાલે છે? જનતા હવે આ ‘બેવડા ધોરણ’ નો જવાબ માંગી રહી છે.

Most Popular

To Top