Vadodara

વડોદરામાં શંકરસિંહ વાઘેલાએ તેમની નવી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કર્યો


સયાજીગંજ વિસ્તારમાં પાર્ટીના નવા કાર્યાલયનું શંકરસિંહે કર્યું ઉદ્ઘાટન


પીઢ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં નવી રાજકીય પાર્ટી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ (પી.ડી.પી)ની સ્થાપના કરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આજે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું, જે ગાંધીનગર બાદ પાર્ટીનું બીજું કાર્યાલય છે.

શંકરસિંહ વાઘેલાએ લોકોને જોડવા માટે પોઝિટિવ એપ્રોચનો રસ્તો અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાર્ટીમાં કોઈ ચીટર માટે જગ્યા નહીં હોય. કોઈ ચીટર જોડાય તો તેને લગતુ ધ્યાન દોરજો, એમ વાઘેલાએ તીખા શબ્દોમાં કહ્યું હતું.



ગાંધીનગરમાં કાર્યાલયના પ્રારંભ પછી વડોદરામાં કાર્યાલય શરુ કરતી વખતે તેમણે ગુજરાતના હાલના રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ અંગે કટાક્ષ કરતા કહ્યું કે, “ગુજરાતમાં રોજે રોજ કૌભાંડ થઈ રહ્યું છે. આ એક કે બે કૌભાંડ પૂરતું નથી, પરંતુ સમગ્ર કૌભાંડો જ એક મોટું કૌભાંડ બની ગયું છે.”

તેમણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, “ગણતરીના 30-35 વર્ષોમાં ભાજપે ગુજરાત માટે કંઈ મહત્વપૂર્ણ કર્યું નથી. નરેન્દ્ર મોદી હવે ગુજરાતના નેતા નહીં, પરંતુ દેશ અને વિશ્વના નેતા છે,” એમ ટોણો મારતા તેઓએ રાજકીય પરિપ્રેક્ષ્યમાં આક્રમક દ્રષ્ટિ બતાવી હતી.

શંકરસિંહ વાઘેલાએ નવી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના મિશન પર ભાર મુકતા જણાવ્યું કે તેઓ ગુજરાતમાં પોઝિટિવ રાજકારણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. વાઘેલાએ લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આ પાર્ટી નાગરિકોના હિત માટે કામ કરશે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા પર કેન્દ્રિત રહેશે.

વડોદરા કાર્યાલયના ઉદઘાટન સાથે પાર્ટી હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ પોતાના કાર્યાલય શરૂ કરે તેવા સંકેતો મળ્યા છે.

Most Popular

To Top