Vadodara

વડોદરામાં વીજળીનો કકળાટ: રાતે દોઢ વાગ્યે કારેલીબાગ કચેરીએ વિફરેલા લોકો પહોંચ્યા

મોડીરાત્રે દોઢ વાગ્યે લોકો સાથે પોલીસને પણ ઉજાગરા, લોકો તોડફોડ કરે તે પહેલા પોલીસે મોરચો સંભાળ્યો

( પ્રતિનિધિ ) વડોદરા તા.19

વડોદરામાં છેલ્લા પાંચ દિવસથી નવા સ્માર્ટ વીજ મીટરનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોનો મિજાજ પારખી ગયેલા ઉચ્ચ અધિકારીઓ અને શહેરના શાસકોની સમજાવટથી હાલ પૂરતા સ્માર્ટ મીટર નાખવાનું સ્થગિત કરવામાં આવ્યું છે. ત્યારે હવે વીજ પુરવઠો ખોરવાતો હોવાની સમસ્યા ઉદભવી છે. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ વિફરેલા લોકો કારેલીબાગ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા. તોડફોડ થાય તે પહેલાજ પોલીસે મોરચો સંભાળી લીધો હતો.

સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર નાખવાનું એમજીવીસીએલને ભારે પડ્યું છે. એક બાદ એક એમ જુદા જુદા વિસ્તારોમાં વિરોધ શરૂ થયો હતો. છેલ્લા પાંચ દિવસથી લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અંતે માત્ર એક ધારાસભ્ય લોકોની વ્હારે આવ્યા હતા. તેઓની રજૂઆત બાદ એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. માંડ માંડ સ્માર્ટ વીજ મીટર સામે રોષ શમ્યો છે. ત્યાં તો હવે વીજળી ગુલ થવાની સમસ્યા સામે આવી છે. ગઈકાલે કારેલીબાગ વિસ્તારમાં લોકોના ઘરોમાં 9 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાયો હતો. 40 ડિગ્રી તાપમાનમાં લોકો કાળઝાળ ગરમી વચ્ચે પરસેવે રેબઝેબ થયા હતા. રાત્રીના 12 વાગી ગયા પણ લાઈટો નહિ આવતા આખરે વિફરેલા લોકો કારેલીબાગ એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર કર્મચારીને રજૂઆત કરી હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પોલીસે મોરચો સંભાળી લીધો હતો. બીજી તરફ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ઘરોમાં 9 વાગ્યાથી લાઈટો ગઈ હતી. ટેલિફોન પર રજૂઆત કરતા ફોલ્ટ છે, આવી જશે, એવા જવાબ મળ્યા હતા. પણ કલાકો સુધી લાઈટો નહિ આવતા ના છૂટકે વીજ ઓફિસમાં આવવું પડ્યું છે.

અહીં પણ અધિકારીઓ તો છે નહિ. લોકોની ઊંઘ બગાડી પોતે ભર નિંદ્રા માણી રહ્યા છે. ઓફિસમાં જે કર્મચારી છે. એમણે પણ પોતાના અધિકારીને ફોન કર્યા પણ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી નથી. અધિકારીઓ એમના જ માણસોના ફોન નથી ઉપાડતા. તો અમારી વાત તો બોવ દૂર રહી. ઘણી વખત રજૂઆત કરી કે ટ્રાન્સફોર્મરની કેપેસિટી નથી. પણ કેમ ખબર બદલતા જ નથી. અને છેવટે અમારે ભોગવવું પડે છે. આટલી ગરમીમાં નાના બાળકો, મહિલાઓ વૃદ્ધ માણસોને કઈ રીતે ચાલે. 9 વાગ્યાના આવ્યા છે રાત્રીના દોઢ વાગી ગયા પણ લાઈટો આવી નથી. ઉલ્લેખનીય છે કે, લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠતા હવે વીજ કચેરીમાં મોરચા મંડાઈ રહ્યા છે. વિફરેલું ટોળું કઈ તોડફોડ ન કરી બેસે તે માટે પોલીસને પણ રાત્રે ઉજાગરા કરવાની ફરજ પડી રહી છે.

Most Popular

To Top