કાઉન્સિલર અલકાબેનને આમંત્રણ ન મળતાં નારાજગી
વડોદરા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ ચાર રસ્તા, વાઘોડિયા રોડ ખાતે રૂ. 42.69 લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મુખ્યદંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ અને મેયર પિંકીબેન સોનીના હસ્તે આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગાર્ડન ફોરેસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે રોપ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પાલિકાએ શહેરમાં હરિયાળી વધારવાના હેતુથી 20 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, જેમાંથી હાલ 5 લાખ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.
આ ગાર્ડનમાં બાળકો માટે વિવિધ રમત-ગમતના સાધનો, વોકિંગ ટ્રેક, બેસવાની સુવિધા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકો માટે આ ગાર્ડન આરામદાયક અને પર્યાવરણમૈત્રીક સ્થળરૂપે વિકસાવવામાં આવ્યું છે.
આમંત્રણ નહીં મળતા કોર્પોરેટર અલકાબેન અકળાયા

આ પ્રસંગે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર અલકાબેનને આમંત્રણ ન મળતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. અલકાબેનનું કહેવું છે કે, “આ ગાર્ડન માટે છેલ્લા આઠ વર્ષથી અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. પાણી ભરાય ત્યારે જગ્યા પર વ્યવસ્થા કરી, વૃક્ષો લગાવ્યા અને વિકાસ માટે સતત પાલિકાને રજૂઆત કરી. છતાં, આજે ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું નથી, જે દુઃખદ છે.” તેમનું માનવું છે કે પોતાના વોર્ડમાં યોજાતા કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિને આમંત્રણ આપવું જોઈએ.