પાલિકામાં 3 વાંદરા બેઠા છે, જે કોન્ટ્રાક્ટરનું પાપ જોતા નથી’ રહીશોએ અનોખો વિરોધ કરી તંત્રની ઊંઘ ઉડાડી
16 મીટરના વાયદા સામે 14 મીટરનો રસ્તો પધરાવી દેવાયો
વડોદરા:; શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજામાં નવા બનેલા રસ્તાની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર એક મહિના પહેલા જ તૈયાર થયેલા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવતા રહીશોએ ગાંધીજીના ‘ત્રણ વાંદરા’ બનીને તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા આ વિસ્તારમાં 16 મીટર પહોળો રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, પ્રત્યક્ષ કામગીરી દરમિયાન રોડની પહોળાઈમાં 2 મીટરનો કાપ મૂકીને માત્ર 14 મીટરનો જ રોડ બનાવી દેવામાં આવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રોડની પહોળાઈ ઘટાડીને કોન્ટ્રાક્ટરને સીધો આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે.
રહીશોએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉતાવળે ગ્રાન્ટ વાપરી નાખવા માટે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. રોડની ગુણવત્તા અત્યંત હલકી કક્ષાની હોવાથી ગણતરીના દિવસોમાં જ રસ્તો બિસ્માર થવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ, આ વિવાદ અંગે કોન્ટ્રાક્ટરે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, રસ્તાની પહોળાઈ ઓછી રહેવા પાછળ દબાણો જવાબદાર છે. તેમણે કહ્યું કે, “અમે પાલિકાને વારંવાર રસ્તા પરના દબાણો હટાવવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પાલિકાએ દબાણો ખુલ્લા ન કરી આપ્યા હોવાથી અમારે ઉપલબ્ધ જગ્યામાં રોડ બનાવવો પડ્યો છે.” કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાના મટીરિયલના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
હાલમાં તો આ મામલે તાંદલજા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે કોઈ તપાસના આદેશ આપશે કે પછી સ્થાનિકોનો અવાજ દબાઈ જશે, તે જોવું રહ્યું.
– ’જોવું નહીં, સાંભળવું નહીં અને બોલવું નહીં’…
વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ હાથમાં બેનર-પોસ્ટર લઈને પાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,
”પાલિકામાં એવા અધિકારીઓ અને સત્તાધીશો બેઠા છે જેઓ કોન્ટ્રાક્ટરની ભૂલો સામે જોતા નથી, ભ્રષ્ટાચાર સામે સાંભળતા નથી અને લોકોની સમસ્યા પર બોલતા નથી. જાણે ગાંધીજીના ત્રણ વાંદરા પાલિકામાં જ વસે છે.”