*સોમવારે વહેલી સવારથી શહેરમાં સાર્વંત્રિક મેઘ મહેર*
*સવારે ચાર વાગ્યા થી સતત વરસાદ વરસવાનું યથાવત*
*શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયારોડ સ્થિત પ્રભુનગર, સરસ્વતી સોસાયટી સહિતના આસપાસના સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની શરુઆતથી સ્થાનિકો ચિંતિત*
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
વડોદરામાં ગત બુધવારે 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ ગત શુક્રવારે રાત્રે સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. જે વરસાદી પાણી ઓસરતા ત્રણ દિવસ લાગ્યા હતા. ત્યારે ફરી એકવાર સોમવારે વહેલી સવારે એટલે કે સવારે ચાર વાગ્યાની આસપાસથી મેઘ મહેર શરૂ થઇ છે. જે સતત ધીમી વરસી રહી છે. જેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝવેરનગર સામેના પ્રભુનગર, સરસ્વતી નગર વિગેરે આસપાસના સોસાયટીમાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો ચિંતિત થયા છે. કારણ કે અહીં ગત બુધવારે તથા શુક્રવારે પડેલા વરસાદ દરમિયાન લોકોના મકાનોમાં અઢીથી ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ઘરવખરી તથા ફર્નિચર સહિતના સામાનને નુકશાન થયું હતું.હજી તો માંડ માંડ ઘરમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી ત્યાં સોમવારે વહેલી પરોઢથી શરૂ થયેલ વરસાદે ફરી એકવાર અહીંના સ્થાનિકોની ઉંઘ હરામ કરી દીધી હતી. લોકો ચિંતામાં મૂકાયા હતા. અહીંના સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીંના સ્થાનિકો દ્વારા 25-05-2021 ના રોજ પત્ર લખી પાલિકા શાખામાં માગણી કરી હતી કે અહીંના રોડપર કાર્પેટીંગ કરવામાં ન આવે કારણ કે રોડ ઉંચા થઇ જતાં આસપાસના સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાની સંભાવના છે. સાથે જ ડ્રેનેજની ચેમ્બરો ઉંચી થતાં ભવિષ્યમાં સમસ્યાઓ સર્જાશે. ત્યારબાદ અહીં રોડપર કાર્પેટીંગ રિસર્ફેસીંગ ની કામગીરી રોકાઈ હતી. ગત બુધવારે અને ત્યારબાદ શુક્રવારે પડેલા વરસાદમાં અહીં ડ્રેનેજ લાઇનોમા પાણી બેક મારતાં લોકોને ખૂબ હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ આજે સવારે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળ્યું હતું. તો ક્યાંક બાળકોની સ્કુલવાનો પણ આવી ન હતી.
વડોદરામાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં લોકોના શ્વાસ અધ્ધર
By
Posted on