વડોદરા: વડોદરા શહેરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા હાઈ એલર્ટ પર છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પાલિકા વરસાદને પહોંચી વળવા સક્ષમ છે.
કમિશનરે જણાવ્યું કે કેચ ધ રેન અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં પડતા વરસાદનું મોનીટરીંગ કરવા માટે હાલોલ એડમિનિસ્ટ્રેશન સાથે સતત સંકલનમાં કામ ચાલી રહ્યું છે. હાલમાં વડોદરામાં ભય જેવી કોઈ સ્થિતિ નથી. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કાંસોની સફાઈ કરવામાં આવી હોવાથી પાણી વહેલી તકે ઉતરી જશે.
કમિશનરે જણાવ્યું કે ઉપરવાસમાં પડતા વરસાદનું પાણી પ્રતાપપુરા સરોવર થઈને આજવા ખાતે પહોંચે છે, જેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કમિશનરે વધુમાં ઉમેર્યું કે ફ્લડ મેનેજમેન્ટ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આજવા સરોવરનું પાણીનું સ્તર નિયમ મુજબ જાળવી રાખવામાં આવી રહ્યું છે.