સોમાતલાવમાં પાણીની લાઈનમાં ભંગાણ, તંત્ર ઊંઘતું રહ્યું ને પાણી વહેતું રહ્યું!
વહેલી સવારે પાણીના સમયે રસ્તાઓ બન્યા ગરકાવ; પાલિકાની ઘોર બેદરકારી સામે જનતાનો આક્રોશ
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં ‘વન ડે વન મિશન વન ક્લીન રોડ’ અંતર્ગત રસ્તાઓ સાફ કરવાની ઝુંબેશ જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. જાણે શહેરમાં પાલિકા દ્વારા અજાણતા જ ‘વન ડે વન લાઈન લીકેજ’ મિશન પણ ચાલી રહ્યું હોય તેમ રોજ અલગ-અલગ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે.

તાજો કિસ્સો સોમાતલાવ વિસ્તારની શિલ્પગ્રામ સોસાયટીમાં જોવા મળ્યો છે, જ્યાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈન લીકેજ હોવા છતાં તંત્ર કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું છે.
સોમાતલાવ વિસ્તારમાં આવેલી શિલ્પગ્રામ સોસાયટી અને તેની આસપાસના રહીશો છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારથી જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે જ્યારે કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠો છોડવામાં આવે છે, ત્યારે લાઈનમાં સર્જાયેલા ભંગાણને કારણે અંદાજે અડધા કિલોમીટર સુધીના રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળે છે. આ પાણી લોકોના ઘરના આંગણા સુધી પહોંચી જતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એક તરફ ભર ઉનાળે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની તંગી અને ઓછા પ્રેશરની બૂમરાણ મચી છે, ત્યારે બીજી તરફ શિલ્પગ્રામ સોસાયટીમાં હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. પાલિકાની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિકોને સવારના સમયે કામકાજ અર્થે બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો સ્લિપ થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
સ્થાનિક રહીશો જણાવ્યું હતું કે ”એક તરફ સફાઈના નામે ફોટા પડાવતું તંત્ર બીજી તરફ પાણીના વેડફાટ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. 3 દિવસથી અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી.”
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સોમાતલાવનો આ નજારો પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. મરામતના અભાવે રસ્તાઓ પર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો આગામી 24 કલાકમાં આ લીકેજનું સમારકામ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.