શહેરના ધંધા રોજગાર પર અસર, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું પાલન કરવા માંગ
વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી લારી-ગલ્લા ધારકોની હાલત કફોડી બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા અને પોલીસ દ્વારા લારીઓ ઉઠાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે શ્રમિક વર્ગના નાના વેપારીઓના રોજિંદા ધંધા રોજગાર પર અસર થઈ રહી છે. વડોદરા લારી-ગલ્લા શ્રમિક સંઘ દ્વારા આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરાઈ છે અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી 2014ના અમલ માટે પાલિકાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. સંઘે તાકીદે લારીઓ ઉઠાવવાનું બંધ કરી, કાયદાની જોગવાઈઓ મુજબ કામગીરી કરવાની માગ ઉઠાવી છે.
કારેલીબાગ વિસ્તારમાં થયેલી હિટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ મોડી રાત સુધી લારી-ગલ્લા બંધ કરાવતી જોવા મળી છે. તેના પરિણામે રોજ કમાઈને ગુજરાન ચલાવતા શ્રમિક વર્ગ માટે આ આદેશ મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. આવેદનપત્રમાં લારી-ગલ્લા ધારકોની માંગ છે કે, જો સ્ટ્રીટ વેન્ડર પોલિસી 2014નું ઉલ્લંઘન થાય, તો કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, પણ નીતિ અમલમાં આવ્યા વગર લારીઓ ઉઠાવવી અને રોજગાર બગાડવો યોગ્ય નથી. તંત્રએ આ મુદ્દે સંવેદનશીલતા દાખવી ન્યાયી ઉકેલ લાવવો જોઈએ.
