Vadodara

વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવેલા મહારાષ્ટ્રના પત્રકાર પર જીવલેણ હુમલો: જૂની અદાવતમાં સોપારી અપાયાની શંકા

જે.પી. રોડ પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા; સામાજિક બહિષ્કારના સમાચાર પ્રકાશિત કરવા મુદ્દે હુમલો થયાનો આક્ષેપ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવેલા મહારાષ્ટ્રના એક ક્રાઈમ રિપોર્ટર પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. મુજમહુડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે જે.પી. રોડ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. પત્રકારના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં અગાઉ પ્રકાશિત કરેલા એક સમાચારની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં ક્રાઈમ ન્યૂઝમાં પત્રકાર તરીકે કાર્યરત વિકાસ રામચંદ્ર જગતાપ ગત 6 માર્ચના રોજ વડોદરાના મુજમહુડા, ભૈરવનગર વિસ્તારમાં આવેલા એક ગ્રાઉન્ડમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. રાત્રિના સમયે ભોજન લીધા બાદ જ્યારે તેઓ હાથ ધોવા માટે ઉભા હતા, ત્યારે અચાનક પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. એક શખ્સે વિકાસભાઈને પાછળથી મજબૂત રીતે પકડી રાખ્યા હતા, જ્યારે અન્ય બે શખ્સોએ તેમને બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. અચાનક થયેલા હુમલાથી લગ્ન પ્રસંગમાં હાજર મહેમાનોમાં પણ ફાળ પડી હતી.
પત્રકાર વિકાસ જગતાપે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ હુમલો કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ પૂર્વ આયોજિત કાવતરું છે. તેમણે ગત 11 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશન (થાણે) ખાતે નોંધાયેલી એક ફરિયાદ અંગે સમાચાર પ્રકાશિત કર્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પત્રકારને સમાચાર બદલ સમાજમાંથી બહિષ્કૃત કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. આ હુમલો મહારાષ્ટ્રના જ શુભમ ઉર્ફે રાવણ અગીનાથ સિંધે નામના શખ્સે કરાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, પત્રકાર પાસેથી ખંડણી વસૂલ કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
ઘટનાની જાણ થતા જ જે.પી. રોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિકાસ જગતાપની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા શખ્સો સામે મારામારી, ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વડોદરા પોલીસે લગ્ન સ્થળના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે હુમલાખોરો મહારાષ્ટ્રથી પીછો કરીને આવ્યા હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top