વડોદરા શહેરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલી મહિલાઓની નજર ચૂકવી તેમના ગળામાં પહેરેલા સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ખોડિયારનગર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. વર્ષ 2023માં હરણી વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન સાગરીતો સાથે મળી તફડાવી લીધી હતી.આમ પોલીસે રિક્ષામાં સોનાના દાગીના ચોરી કરતા ઝડપાયેલા આરોપીની સંખ્યા સાત પર પહોંચી છે.
શહેરી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખોડીયારનગર વિસ્તારમાં રિક્ષામાં બેસાડ્યા બાદ મહિલાઓની સોનાની ચેન અને મંગળસૂત્ર સરકાવી લેનાર એક શખ્સ રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (રહે. કુંભારખાડ તળાવ પાસે છાપરામાં, મહેમદાવાદ જી.ખેડા) ખોડિયારનગર વિસ્તારમાં ઉભો છે.જેના આધારે ક્રાઈમ યમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી રાજેશ પરમારને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રીક્ષામાં બેસેલા એક મહીલા પેસેંજરની નજર ચુકવી સોનાની ચેઇન સાગરીતો સાથે મળી ચોરી કરવાના વર્ષ 2023 માં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા હોવાનું અને પોલીસ ધરપકડથી બચવા માટે એક વર્ષથી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપીને ક્રાઈમ બ્રાન્ચે આગળની તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રીક્ષામાં મહીલાને વાતોમાં પરોવી તેમના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરતી ગેંગના અત્યાર સુધીમાં 7 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.