Vadodara

વડોદરામાં રામનવમીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભૂતડીઝાંપા મેદાન ખાતે એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો, ફ્લેગ માર્ચ અને હાઈટેક સુરક્ષા સાથે પોલીસ સંપૂર્ણ રિતે સજ્જ

23 સ્થળે શોભાયાત્રા અને 11 જગ્યાએ ભંડારા, સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ખડેપગે રહેશે

વડોદરા તારીખ 25

વડોદરા શહેરમાં રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે શહેરભરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ભૂતડીઝાંપા મેદાન ખાતે પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જે પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની તૈયારીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ડ્રોન, સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.
સાથે સાથે ધાબા પોઇન્ટ અને ડીપ ધાબા પોઇન્ટ પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવી શકાય. પોલીસ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં 23 સ્થળોએ રામનવમીની શોભાયાત્રાઓ નીકળવાની છે. 11 જગ્યાએ ભંડારા નું પણ આયોજન કરાયું છે જેને ધ્યાનમાં રાખીને ડીસીપી, એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.ઉપરાંત મહાપ્રસાદ અને ભંડારા જેવા કાર્યક્રમો દરમિયાન પણ પોલીસ સતર્ક રહેશે અને સતત મોનીટરીંગ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે.

બે જોઈન્ટ અને એડિશનલ પોલીસ કમિશનર, 6 ડીસીપી, 11 એસીપી અને 60 થી વધુ પીઆઇ તૈનાત
પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના તમામ વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ બંદોબસ્ત હેઠળ 2 જોઈન્ટ પોલીસ કમિશનર, એડિશનલ સીપી, 6 ડીસીપી, 11 એસીપી, 60થી વધુ પીઆઈ, 140 પી.એસ.આઈ અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત એસઆરપી અને સીઆરપીએફ જેવી સેન્ટ્રલ ફોર્સની કંપનીઓને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે.

શોભાયાત્રાને લઈ ધાબા ઉપર ચેકિંગ કરાયું
સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ભડકાઉ અથવા વાતાવરણ બગાડે તેવી પોસ્ટ કે કમેન્ટ ન થાય તે માટે સાયબર સેલને સતત મોનીટરીંગ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી છે. આવા વિસ્તારોમાં આવેલા મકાનોના ધાબાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે. જેથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવી શકાય. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા બુધવારે સાંજે કાપેલા સાથે શોભાયાતાના રોડ પર ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું.

ડ્રોન દ્વારા પણ સતત શોભાયાત્રા રોડ પર ચેકિંગ
શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ડ્રોનથી સતત નજર રાખવામાં આવશે, જેથી દરેક હલચલ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય. પોલીસ દ્વારા શહેરજનોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ ઘટના અથવા અફવા અંગે તરત જ પોલીસને જાણ કરે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા માટે અપીલ કરાઈ છે.

Most Popular

To Top