સાયબર ઠગાઈ, નાર્કોટિક્સ, અકસ્માત હોટસ્પોટ અને પોલીસ શક્તિ વધારવા પર ફોકસ
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરામાં રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એન. એલ. રાવના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્તરની પ્રથમ પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ સાથે પંચમહાલ રેન્જ, ગોધરા રેન્જ, રેલવે પોલીસ, હથિયારી એકમો તેમજ નાર્કોટિક્સ વિરોધી અને અન્ય વિશેષ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી બેઠક દરમિયાન દરેક વિભાગની કામગીરીની સમીક્ષા કરી, એકબીજાના અનુભવ અને માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસ વડાએ અધિકારીઓને તેમના ક્ષેત્રમાં વધુ અસરકારક અને સંકલિત રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
🔷 સાયબર ક્રાઈમ પર તાત્કાલિક કાર્યવાહી
ડીજીપી ડૉ. રાવે જણાવ્યું કે જો સાયબર ઠગાઈનો ભોગ બનેલો વ્યક્તિ એક કલાકની અંદર પોલીસને જાણ કરશે, તો પોલીસ દ્વારા 35 થી 40 ટકા રકમ ફ્રીઝ કરી પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
🔹 નાર્કોટિક્સ વિરોધી અભિયાનને વેગ
ડ્રગ્સ વિરુદ્ધ જનજાગૃતિ માટે ખાસ કાર્યક્રમો યોજાશે. નાર્કોટિક્સ સામે લડવા માટે નવી ANTF (Anti Narcotics Task Force) ઉભી કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન શુક્રવારે વડોદરામાં થવાનું છે.
🔹 અકસ્માત હોટસ્પોટ પર વિશેષ ધ્યાન
વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને શહેર અને હાઈવે પરના અકસ્માત હોટસ્પોટ ઓળખી, અકસ્માતના કારણોની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે અને નિવારક પગલાં લેવામાં આવશે.
🔹 પોલીસ બળમાં વધારો
વડોદરા પોલીસ વિભાગમાં કર્મચારીઓની ઘટને પહોંચી વળવા 1000 નવા તાલીમપ્રાપ્ત જવાનો ફાળવવામાં આવ્યા છે, જેને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં મુકવામાં આવશે.
🔹 112 ઇમર્જન્સી સેવાની અસરકારકતા
ડીજીપી એ જણાવ્યું કે 112 ઇમર્જન્સી સેવા સરેરાશ 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચે છે, જે રાજ્યમાં ત્વરિત પ્રતિસાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ડીજીપીએ ક્રાઈમ કોન્ફરન્સને મહત્વની ગણાવી
“રાજ્ય પોલીસ વડા તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ વડોદરાની આ પ્રથમ મુલાકાત છે. પ્રાદેશિક સ્તરે આવા ક્રાઈમ કોન્ફરન્સથી વિવિધ એકમો વચ્ચે સંકલન વધે છે અને ગુનાખોરી સામે વધુ અસરકારક કાર્યવાહી શક્ય બને છે,” એમ ડૉ. કે. એન. એલ. રાવે જણાવ્યું હતું.