
વડોદરા: વડોદરામાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરના આયોજન માટે તારીખ 5થી 7 સુધીની મુલાકાત માટે વડોદરા પહોંચ્યા હતા. આ પ્રસંગે હરણી વિસ્તાર સ્થિત એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વડોદરામાં વસતા રાજસ્થાની સમાજના આગેવાનો, વેપારીઓ તથા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભજન લાલ શર્માને રાજસ્થાની પાઘડી, પુષ્પહાર અને ચાલ વિધિથી ઔપચારિક સ્વાગત અપાયું હતું. મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પોતાના ઉદબોધનમાં વડોદરામાં વસતા રાજસ્થાની સમાજના એકતા અને પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે સમાજના સભ્યોને માતૃભૂમિ માટે પણ સમકક્ષ પ્રયાસો કરવાની પ્રેરણા આપી. તેમણે રાજ્યમાં ટુરિઝમને વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તથા કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનના 45,000 ગામોમાં રેન વોટર હાર્વેસ્ટિંગ યોજનાઓની કામગીરીને બિરદાવી હતી.