Vadodara

વડોદરામાં રસ્તા ક્રાંતિ! 75 મીટર રિંગ રોડને જોડાશે 6 ફોરલેન રેડિયલ રોડ

વુડા અને VMCનો માસ્ટર પ્લાન: શહેરના પૂર્વ અને પશ્ચિમને મળશે સીધું જોડાણ; પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં.

વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા અને નાગરિકોને સરળ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. શહેરની ફરતે આકાર લઈ રહેલા 75 મીટરના રિંગ રોડને શહેરના મુખ્ય માર્ગો સાથે જોડવા માટે કુલ 6 ફોરલેન રેડિયલ રોડનું નિર્માણ કરવામાં આવશે.
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) દ્વારા ફેઝ-1 હેઠળ 75-મીટર રિંગ રોડનું કામ હાલમાં અંતિમ તબક્કામાં છે. આ રિંગ રોડ કાર્યરત થયા પછી શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પરનો ભાર ઘટશે, પરંતુ તેની અસરકારકતા વધારવા માટે આ રેડિયલ રોડ્સ કરોડરજ્જુ સમાન સાબિત થશે.
શહેરજનોને રિંગ રોડ સાથે સીધી અને સરળ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર આ રેડિયલ રોડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ 6 રેડિયલ રોડ્સમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના માર્ગોનો સમાવેશ થાય છે.
​પૂર્વ વિસ્તાર રિંગ રોડને જોડતાં બે રેડિયલ રોડ બનાવવામાં આવશે.
​પશ્ચિમ વિસ્તાર રિંગ રોડને જોડતાં ચાર રેડિયલ રોડ બનાવવામાં આવશે ,આમ કુલ 6 ફોરલેન રેડિયલ રોડનું નિર્માણ થશે, જે શહેરના વિવિધ વિસ્તારોને 75-મીટરના રિંગ રોડ સાથે જોડીને મુસાફરીનો સમય ઘટાડશે.
આ આયોજનથી સંકલિત અને ઝડપી વિકાસની અપેક્ષા છે. આ રેડિયલ રોડ્સ વડોદરાની ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં અને ભવિષ્યના શહેરી વિસ્તરણને સપોર્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

આ મેગા પ્રોજેક્ટના અમલ માટે વડોદરા મહાનગરપાલિકા અને વુડા વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે:
વુડા (VUDA) 2 રસ્તા સંપૂર્ણ કામગીરી વુડાના હસ્તક.
મ્યુ. કોર્પોરેશન (VMC) 3 રસ્તા સંપૂર્ણ કામગીરી VMCના હસ્તક.
સંયુક્ત (VMC + VUDA) 1 રસ્તો આ રસ્તો બંને સંસ્થાઓના હસ્તક આવતો હોવાથી તેનું કામ સંયુક્ત રીતે હાથ ધરાશે.

Most Popular

To Top