સાંજના તમામ ઝોનમાં પાણી કાપ અને હળવા દબાણથી ઉપલબ્ધ થશે
વડોદરા શહેરમાં રવિવારે પાણી પુરવઠામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 05/10/2025ના રોજ સવારે 6:00 થી 8:30 દરમિયાન MGVCLનું શટડાઉન રાખવામાં આવતા શહેરના કેટલાંક વિસ્તારોમાં નિયમિત પાણી વિતરણની જગ્યાએ અલગ સમયે પાણી પુરવઠો કરવામાં આવશે.
આ ફેરફાર અંતર્ગત સવારે વહેલી સવારે 5:00 થી 6:00 વાગ્યા દરમિયાન શહેર વાડી વિસ્તાર, પાણીગેટથી માંડવી વિસ્તાર, મેમણ કોલોની, આજવા રોડ મહાવીર ચાર રસ્તા સુધીના વિસ્તાર, અમન સોસાયટી તેમજ પાણીગેટ ટાંકીની પાછળ આવેલા કોટયાર્ક નગર, ગોવિંદરાવ પાર્ક, બાવચાવાડ તથા જુની વોર્ડ 9 ઓફિસ આસપાસના વિસ્તારોમાં પાણી આપવામાં આવશે.
ત્યારબાદ સવારે 6:00 થી 7:00 દરમિયાન એમ.જી. રોડથી પથ્થરગેટ વિસ્તાર, ઘડીયાળી પોળ તથા બરાનપુરાથી લઈને બજાર ચાર રસ્તા સુધીના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે. જ્યારે કિશનવાડી ગધેડા માર્કેટ, નવજીવન, ગુ.હા. બોર્ડ તથા રાવપુરા જેવા વિસ્તારોમાં સવારે વીજ પુરવઠો શરૂ થયા પછી જ પાણી અપાશે.
MGVCLનું શટડાઉન પૂર્ણ થયા બાદ સાંજે પાણીગેટ ટાંકીમાંથી અલગ-અલગ ઝોનમાં પાણી પુરવઠો કાપ સાથે તથા હળવા દબાણથી કરવામાં આવશે. નગરજનોએ જાહેર કરવામાં આવેલા આ ફેરફાર અંગે નોંધ લઈને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.