ગોરવા વિસ્તારમાં શાળાએ જતા માસૂમને 4 શ્વાનોએ ફાડી ખાવાનો પ્રયાસ કર્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.29
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરાની ગલીઓમાં હવે માસૂમ બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે. ગોરવા વિસ્તારની સહયોગ સોસાયટીમાં આજે સવારે કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના બની હતી, જેમાં શાળાએ જવા નીકળેલા એક નિર્દોષ બાળક પર ચાર જેટલા શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. જો રસ્તા પરથી પસાર થતા કાર ચાલક અને એક મહિલાએ હિંમત ન દાખવી હોત તો આજે વડોદરાએ એક માસૂમ બાળકનો જીવ ગુમાવવો પડ્યો હોત. રાહદારીઓ ‘દેવદૂત’ બન્યા. જ્યારે શ્વાનો બાળકને બચકા ભરી રહ્યા હતા ત્યારે તેની ચીસાચીસ સાંભળી પસાર થતા કાર ચાલકે બ્રેક મારી અને હોર્ન વગાડી શ્વાનોનું ધ્યાન ભટકાવ્યું હતું. સાથે જ એક મહિલાએ પણ હિંમત કરીને બાળક પાસે જઈને શ્વાનોને ભગાડતા બાળકનો જીવ બચ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં શ્વાનોએ બાળકને ગંભીર ઈજાઓ પહોંચાડી દીધી હતી. ભોગ બનનાર બાળકના પિતા પોતે તબીબ હોવા છતાં પોતાના સંતાનની આ હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બાળકના પિતા ડો. ગોપાલ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, મારી મમ્મી સાથે તે સ્કૂલમાં જતો હતો. દરમિયાન આગળ એના મિત્રો હોવાથી તે આગળ દોડ્યો અને મારા મમ્મી પાછળ રહી ગયા હતા. તેજ સમયે ચાર જેટલા શ્વાન હુમલો કરે છે. તેને બે જગ્યાએ ઇન્જરી થઈ છે. હું પોતે તબીબ હોવાથી મારા દવાખાને લઈ જઈને સારવાર આપી હતી. અહીંયા શ્વાનનો ખૂબ આતંક છે, જેની સામે કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માગ છે. કોર્પોરેશનને જાણ કરતા તેઓ પકડવા આવ્યા હતા પણ પકડાયું નહોતું. નજીકમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં પણ કૂતરાઓનો આતંક હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. અહીંના રહીશોનું કહેવું છે કે, સવારે કૂતરાઓ વાહનો પાછળ દોડે છે. અહીંયાથી કોઈ પસાર થાય તો તેઓ પાછળ પડે છે. ત્યારે કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપે અને સત્વરે શ્વાનને પકડી લે તેવી માગ કરી છે. આ સાથે સંગીતા સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, અહીંયા એક શ્વાનનો આતંક વધુ છે. જે બાબતે અમે કોર્પોરેશનને જાણ કરી છે, તેઓ પકડવા માટે આવ્યા હતા, પરંતુ પકડાતું નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ભયાનક છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું સ્માર્ટ સિટીમાં બાળકોનું ઘરની બહાર નીકળવું પણ જોખમી છે ? પાલિકાના ખસીકરણના નામે થતો લાખો રૂપિયાનો ખર્ચો જાય છે ક્યાં ? વડોદરા મહાનગરપાલિકા (VMC) આ ઘટનાને ગંભીરતાથી લે અને માત્ર કાગળ પર નહીં, પણ રસ્તા પર ઉતરીને આ ખૂંખાર શ્વાનોના ત્રાસમાંથી જનતાને મુક્તિ અપાવે તેવી માંગ ઉઠી છે.