ઢોર માટે ટેગિંગ અને ગૌશાળા શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ
શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત કામગીરી શરૂ કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં 371 ઢોર પકડવામાં આવ્યા હતા, જેમાંથી 74 ઢોરને પાંજરાપોળ અને ગૌશાળામાં શિફ્ટ કરવામાં આવ્યા. ગોપાલકો 51 ઢોર મુક્ત કરાવી ગયા, જે બદલ VMC દ્વારા રૂ.3.46 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો. છેલ્લા એક માસમાં VMCની કાર્યવાહી અંતર્ગત શહેરમાં છ ગેરકાયદે ઢોરવાડા તોડવામાં આવ્યા હતા. ઢોર છોડીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનારા 17 ગોપાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈદગાહ મેદાન પાસે ઘાસ વેચતા સાત ગોપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને 1100 કિલો ઘાસ કબજે કરવામાં આવ્યું હતું.
VMCએ નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અને રખડતા ઢોર નિયંત્રણ કમિટીને પત્ર લખીને જણાવ્યુ હતું કે, કેટલાક પશુપાલકો રખડતા ઢોર પકડતી વખતે તેમના ટુ વ્હીલરથી VMCની ટીમનો પીછો કરે છે અને બૂમો પાડી ઢોરને ભગાડી દે છે. આ કારણે અનેકવાર ઢોર ભડકી જાય છે અને અકસ્માત સર્જાતા નાગરિકોના જીવને જોખમ ઊભું થાય છે. VMCના પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ઘણા પશુપાલકોની બાઈકમાં નંબર પ્લેટ ન હોય, અથવા તો તે તોડીને નષ્ટ કરી દીધેલ હોય છે. કેટલાકે નંબર પ્લેટ પર છાણ લગાવી મૂકી હોવાથી તે વાંચી શકાતી નથી. ઘણાં ગોપાલકો લાયસન્સ વિના બેફામ ગતિએ વાહન ચલાવતા હોય છે, જેનાથી અકસ્માત થવાનો ભય રહે છે.
VMC દ્વારા આવા 42 ગોપાલકોની યાદી પોલીસ વિભાગને સોંપવામાં આવી છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કરાયો છે. VMCએ આગામી દિવસોમાં રખડતા ઢોર વિરુદ્ધની કાર્યવાહી વધુ કડક બનાવવા માટેની તજવીજ હાથ ધરી છે, જેથી શહેરના નાગરિકોને આ સમસ્યાથી મુક્ત કરી શકાય.