સશક્તિકરણ અને ફિટનેસના સંદેશ સાથે નીકળેલી રનમાં મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, યુવા, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મહિલાઓ જોડાઈ
વિવિધ પ્રકારની સાડીઓથી શહેરના રસ્તાઓ પર સર્જાયા રંગબેરંગી દ્રશ્યો
વડોદરા:
આગામી 1 ફેબ્રુઆરીના રોજ યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતેથી “સાડી ગૌરવ રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનમાં વડોદરા શહેરની 4,000થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડતી મહિલાઓને કારણે શહેરના માર્ગો પર રંગબેરંગી અને મનોહર દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાડી ગૌરવ રનમાં વડોદરાની મહિલાઓએ પોતાની પરંપરાગત સંસ્કૃતિનું પ્રતીક એવી સાડી પહેરીને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રનમાં જોડાયેલી તમામ મહિલાઓએ સ્વાસ્થ્ય અને ફિટનેસ માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડની ઉપસ્થિતિમાં સાડી ગૌરવ રનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

આ ગૌરવ રન દ્વારા ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશ વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 16 વર્ષથી વધુ ઉંમરની યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી રનમાં જોડાઈ હતી. આ ઉપરાંત, દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર ભાગ લેતી જોવા મળી હતી. 3 કિલોમીટરની આ રનનો પ્રારંભ કીર્તિ સ્તંભથી થયો હતો અને સમાપન પણ કીર્તિ સ્તંભ ખાતે જ થયું હતું.

સાડી ગૌરવ રનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા શહેર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ, મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, પૂર્વ ભાજપ પ્રમુખ વિજય શાહ, સત્યેન કુલાબકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાડી ગૌરવ રનમાં વડોદરા પોલીસની શી ટીમે આગેવાની લીધી હતી. શી ટીમની મહિલા પોલીસ કર્મીઓ ગુલાબી સાડીમાં સૌથી આગળ રહી દોડની શરૂઆત કરી હતી. આ રનમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. જેમાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મહિલાઓ વિશેષ ઉપસ્થિતિ સાથે દોડી હતી. ઉપરાંત ભરૂચની “મોમ્સ ઓફ ભરૂચ” ગ્રુપની મહિલાઓએ પણ રનમાં ભાગ લીધો હતો.

રનમાં ભાગ લેનાર મહિલાઓને મેડલ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આ રન કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, ભગતસિંહ ચોક, મ્યુઝિક કોલેજ રોડ, દાંડિયા બજાર ચાર રસ્તા, અકોટા બ્રિજ ચાર રસ્તા, પેલેસ ગેટ અને પરત કીર્તિ સ્તંભ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.

સાડી ગૌરવ રનની શરૂઆતમાં રિચા કોઠારી અને તેમના ગ્રુપ દ્વારા મહિલાઓ માટે ઝુંબા સેશન યોજાયું હતું. રનના અંતે ગરબાની રમઝટ જામતાં સાડીમાં સજ્જ હજારો મહિલાઓએ મનમુકીને ગરબે ઘૂમી કાર્યક્રમને ઉત્સવમાં પરિવર્તિત કર્યો હતો.

મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, સાડી ભારતીય નારીની ઓળખ અને સંસ્કૃતિનું પ્રતીક છે. સાડી પહેરીને મહિલાઓ આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે. આજે હજારો મહિલાઓએ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સશક્તિકરણનો સંદેશ લઈને ભાગ લીધો છે, જે ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને વધુ મજબૂતી આપે છે.

એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, આ સાડી રનમાં તમામ વય જૂથની મહિલાઓ જોડાઈ છે. ગુજરાતી, બંગાળી અને મહારાષ્ટ્રીયન શૈલીની સાડીઓમાં મહિલાઓ જોવા મળી હતી. વડોદરા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

વડોદરા મેરેથોનના ડાયરેક્ટર નિલેશ શુક્લાએ જણાવ્યું હતું કે, ઠંડીની સવારમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓનો ઉત્સાહ અદ્ભુત છે. સાડી આપણા સંસ્કૃતિનું પ્રતીક છે અને હજારો મહિલાઓએ આજે પોતાની સંસ્કૃતિને વિશ્વ સ્તરે પ્રોત્સાહન આપ્યું છે. એક સાથે આટલી સંખ્યામાં મહિલાઓ દ્વારા હેરિટેજ રન યોજાવું વડોદરા માટે પ્રથમ અનુભવ છે.