Vadodara

વડોદરામાં યુવકની શરમજનક હરકત: કોલેજીયન યુવતીઓના ફોટા અશ્લીલ બનાવી બ્લેકમેલ કરવાનો પ્રયાસ

ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા ડાઉનલોડ કરી AI એપથી છેડછાડ, પેન ડ્રાઇવમાં રાખી વાયરલ કરવાની ધમકી
વડોદરા, તા. 29:
શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી એક કોલેજીયન યુવતીને સોશિયલ મીડિયા મારફતે હેરાનગતિનો ભોગ બનવું પડતાં તેણે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માગી હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક ઇન્સ્ટાગ્રામ પરથી તેના તથા તેની ત્રણ બહેનપણીઓના ફોટા ડાઉનલોડ કરી, એડિટ કરીને અશ્લીલ બનાવ્યા હતા અને ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે યુવકે ગૂગલ જેમિની એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવતીઓના ફોટા સાથે છેડછાડ કરી અલગ-અલગ અયોગ્ય પોઝમાં ફેરફાર કર્યા હતા. એટલું જ નહીં, આ ફોટા પેન ડ્રાઇવમાં સંગ્રહ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
ઘટનાની જાણ થતાં જ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષનું કાઉન્સેલિંગ કર્યું હતું. તપાસ દરમિયાન યુવક પાસેથી મળી આવેલી પેન ડ્રાઇવમાંથી એડિટ કરાયેલા અશ્લીલ ફોટા મળતા યુવતી અને તેની સહેલીઓ માનસિક રીતે આઘાતમાં આવી ગઈ હતી.
અભયમ ટીમે યુવકને કડક ચેતવણી આપી આવી હરકતો ગંભીર ગુનો હોવાનું સમજાવ્યું હતું. અગાઉ આપવામાં આવેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને યુવતીએ હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top