રાજકોટ અને વડોદરામાં મેટ્રો માટે રાજ્ય સરકારે DPR કેન્દ્રને મોકલ્યું
વડોદરા: રાજ્ય સરકાર હવે રાજકોટ અને વડોદરામાં મેટ્રો ટ્રેન દોડાવવાની દિશામાં પ્રયાસો કરી રહી છે. બંને શહેરોમાં શરૂ થનાર આ પ્રોજેક્ટના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ DPR કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ દસ્તાવેજ પ્રમાણે, વડોદરામાં આશરે 40 કિ.મી. લાંબી મેટ્રો લાઇન માટે અંદાજે 11 હજાર કરોડ રૂપિયાનું બજેટ થશે, જ્યારે રાજકોટ માટે 38 કિ.મી. નેટવર્ક માટે ખર્ચ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રહેશે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મોટું અને ખર્ચાળ હોય છે. સામાન્ય રીતે, એલિવેટેડ મેટ્રો ટ્રેક માટે દરેક કિલોમીટરે સરેરાશ 350 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે આ ખર્ચ 800 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે. આ સામે, મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ જેવો વિકલ્પ વધુ સસ્તો અને વ્યવહારુ ગણાય છે. એલિવેટેડ કોરિડોર પર દોડે તેવી મેટ્રો નિયો માટે સરેરાશ ખર્ચ માત્ર 200 કરોડ રૂપિયા પ્રતિ કિ.મી. હોય છે અને તેનો મેઇન્ટેનન્સ પણ ઓછો છે. સુરતમાં મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને ત્યાંના નાગરિકો હાલ ટ્રાફિક, રસ્તા બંધ થવા જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવામાં હવે વડોદરામાં પણ આ કામગીરી શરૂ થાય તો સ્થાનિક નાગરિકોને ભવિષ્યમાં એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું વડોદરામાં ખરેખર મેટ્રોની જરૂર છે?
વડોદરામાં અગાઉ BRTS શરૂ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી પરંતુ તદ્દન જમીન પર કોઈપણ પ્રોજેક્ટ શરુ થયો નથી. તેથી નાગરિકોમાં એવું પણ કહેવાય છે કે BRTS સિવાય સીધા મેટ્રો તરફ ઉછાળ મારવો કેટલો યોગ્ય છે? વડોદરાનું વાહનવ્યવહાર હાલ તો બસ, રિક્ષા અને ખાનગી વાહનો ઉપર આધારિત છે. ટ્રાફિક સમસ્યા ચોક્કસ છે, પણ શું તે મેટ્રો જેટલા ખર્ચાળ ઉકેલની માંગણી કરે છે? રાજકોટની વાત કરીએ તો શહેર સતત વિકાસ પામે છે અને તેના દર વર્ષે વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મેટ્રો વધુ વ્યવહારુ વિકલ્પ બની શકે છે. ખાસ કરીને જો મેટ્રો નિયો જેવા ઓછી ખર્ચાળ મોડેલને અપનાવવામાં આવે તો ખર્ચ અને ઉપયોગિતાની વચ્ચે સંતુલન સાધી શકાય. ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરામાં 39.10 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેન રૂટ શરૂ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં મેટ્રો ટ્રેન પ્રૉજેક્ટનો અંદાજીત ખર્ચ 10 હજાર 438 કરોડ મૂકવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ માટે 37.80 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેન પ્રૉજેક્ટનો અંદાજીત ખર્ચ 10 હજાર 214 કરોડ રૂપિયા મૂકવામાં આવ્યો હતો. પરંતુ સમય સાથે કેટલાક બદલાવ થતા અને અલગ અલગ ભાવ વધારા થતા હવે પ્રોજેક્ટ કોસ્ટમાં પણ વધારો થયો છે.
ખાડોદરા બનેલા શહેરે ફરી યાતનાઓ વેઠવી પડશે !
વડોદરા શહેરમાં અવાર નવાર ભૂવા પડતા રહેતા હોય છે તેવામાં ઠેર ઠેર સમારકામની કામગીરી પણ ચાલતી રહેતી હોય છે. ત્યારે આગામી વર્ષોમાં હવે જ્યારે મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત થશે ત્યારે શહેરના નાગરિકોએ ફરી યાતનાઓ વેઠવી પડશે. બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ બનેલા ફ્લાય ઓવરનો પણ વિરોધ અગાઉ થઈ ચૂક્યા છે ત્યારે હવે આગામી વર્ષોમાં મેટ્રો પ્રોજેક્ટ ખરેખર શહેરને જરૂર છે કે કેમ તેને લઈને પણ નાગરિકોમાં ગણગણાટ શરૂ થયો છે.