Vadodara

વડોદરામાં મેઘ રાજાની ફરી ધુંવાધાર બેટિંગ, ઠેર ઠેર પાણી ભરાયા, અલકાપુરી ગરનાળું બંધ

*છેલ્લા દસ દિવસના વિરામ બાદ વડોદરમા જોરદાર વરસાદ

*આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી, વહેલી સવારથી જ શહેર માથે મેઘમંડાણ*

(પ્રતિનિધિ) વડોદરા તા. 08


છેલ્લા દસ દિવસથી મેઘરાજાએ વડોદરામાં વિરામ લીધા બાદ ગુરુવારે સાંજે સવા ચાર વાગ્યાની આસપાસ થી વરસાદી રમઝટ બોલાવી હતી. ગુરુવારે વહેલી સવારથી જ શહેર માથે કાળા ડિબાંગ મેઘમંડાણ જોવા મળી રહ્યા હતા. જેના કારણે શહેરમાં ગરમી અને બફારાનો અનુભવ લોકોને થઇ રહ્યો હતો. સાંજના સુમારે અચાનક વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં મધ્યમ થી ભારે વરસાદની આગામી કરવામાં આવી છે.

વડોદરા શહેરની વાત કરીએ તો આ વર્ષે ચોમાસાની ઋતુમાં ગત મહિને 24 જુલાઇના રોજ ત્યારબાદ 26 જુલાઇના રોજ થઇ 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ વરસાદે ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર 29 જુલાઇએ વરસાદ વરસ્યો હતો તે દરમિયાન પણ શહેરના ફતેગંજ, સયાજીગંજ, કારેલીબાગ મુક્તાનંદ માંડવી, ન્યાયમંદિર, લહેરીપુરા, વાઘોડિયારોડ, સંગમ ચારરસ્તા, મહાવીર હોલ ચારરસ્તા સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો અને દસ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ શહેરમાં સાંજે સવા ચારની આસપાસથી ધમાકેદાર વરસાદી એન્ટ્રી કરી હતી. ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના સયાજીગંજ વિસ્તારમાં અલકાપુરી ગરનાળામા વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે ગરનાળુ બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ અડધાથી એક ફૂટ પાણી ભરાયા હતા જેના પગલે જૂના પાદરારોડ થી રેસકોર્સ રોડ પર આવેલા ચકલી સર્કલ, સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા ,લહેરીપુરા ચાર દરવાજા થી માંડવી વિસ્તારમાં વરસાદી પાણીને પગલે વાહનદારીઓ અટવાયા હતા. ખાસ કરીને સાંજના સુમારે દોઢ કલાક વરસાદ ખાબકતા નોકરી પરથી છૂટીને પરત ઘરે જતાં કર્મચારીઓ, બહારથી આવેલા મુસાફરોને ટ્રાફિકમાં અટવાવવાનો વારો આવ્યો હતો.ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની વરસાદી કામગીરી ફરી ખુલ્લી પડી હતી અને ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. ગત મહિને પડેલા વરસાદમાં શહેર જળબંબાકાર થયા બાદ પાલિકા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી પર માછલાં ધોવાતા સ્થાઇ સમિતિની બેઠકો યોજવામાં આવી હતી જેમાં વરસાદી પાણી ન ભરાય તે માટે જરૂરી સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી પરંતુ આ બેઠકો માત્ર મિટિંગો પૂરતી અને કાગળ પૂરતી જ રહી હોય તેવું જણાય છે કારણ કે ગુરુવારે સાંજે સવા ચારની આસપાસ થી વરસાદ પડતા ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. કેટલાક વાહનો પણ ખોટવાયા હતા.

Most Popular

To Top