Vadodara

વડોદરામાં મેઘરાજાએ લાંબો વિરામ લેતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું, ઉકળાટથી લોકો પરેશાન

*

*વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા શરદી ખાંસી, શ્વાસોશ્વાસની તકલીફમાં વધારો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 18


ચોમાસાની ઋતુમાં વડોદરામાં શરુઆતમાં એકાદ બે દિવસના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધા બાદ ગત 9મી જુલાઇના રોજ શહેરમાં બપોર બાદ મોડી રાત સુધી અડધો ઇંચ વરસાદ પડયો હતો ત્યારબાદ ફરી મેઘરાજાએ લાંબો વિરામ લીધો હોય તેમ જણાય છે. વચ્ચે 15 મી જુલાઇના રોજ એકાદ બે હળવા વરસાદી ઝાપટાં જરૂર પડ્યા હતા પરંતુ ત્યારબાદ શુક્રવાર સુધી શહેરમાં વરસાદ વરસ્યો નથી. બીજી તરફ દરરોજના શહેર માથે કાળાડિબાંગ વાદળો તો જોવા મળે છે પરંતુ વરસાદ વરસી નથી રહ્યો જ્યારે કે સમગ્ર દેશમાં મોન્સૂન બરાબર ચાલી રહ્યુ છે.દેશના કેટલાક ભાગોમાં જેવાં કે, મુંબઇ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉતરાખંડ, ઉત્તર, દક્ષિણ ભારતમાં અવિરત મેઘમહેર ચાલી રહી છે.ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવો હાલ છે. વેરાવળ, દ્વારકા, સોમનાથ, ગીર બનાસકાંઠા અરવલ્લી જિલ્લા સહિત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદ, સુરત, રાજકોટ વિગેરે પણ બાકાત નથી તે જ રીતે પંચમહાલ, છોટાઉદેપુર ,પાદરા, ડભોઇ સહિત સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે પરંતુ વડોદરા શહેર તથા આસપાસના કેટલાક ભાગોમાં મેઘમહેર થી વંચિત જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા એક તરફ અસહ્ય ઉકળાટ જોવા મળે છે એમ ઠંડી ગરમીની મિશ્ર અસરને કારણે લોકો શરદી ખાંસી, દમ સહિત શ્વાસોશ્વાસ અને વાયરલ બિમારીનો ભોગ બની રહ્યાં છે. નાના બાળકો તથા વૃધ્ધો અને બિમાર લોકો ઉપર વાતાવરણની અસર વિશેષ જોવા મળી રહી છે. શહેરના મંદિરોમાં હવે મેઘરાજાને મનાવવા ભજન કિર્તન પણ કરવામાં આવી રહ્યાં છે. શહેરના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યાં છે.આપણા હિન્દુ શાસ્ત્રોમાં સારા વરસાદ માટે
સંસ્કૃત પાઠશાળામાં ખાસ પર્જન્ય યજ્ઞ કરવામાં આવતો હતો. શાસ્ત્રોમાં વરસાદના દેવતાં ઇન્દ્રદેવને મનાવવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે. વેદોમાં યજ્ઞનું ખુબ જ મહત્વ રહેલું છે.આ યજ્ઞ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવવાથી મેઘરાજાની કૃપા વરસે છે અને વરસાદ સારો એવો થાય છે. વડોદરામાં પણ હવે આ પર્જન્ય યજ્ઞની જરૂર હોય તેવું જણાય છે.

Most Popular

To Top