સયાજી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઈ, દૈનિક કેસોમાં 7% સુધીનો વધારો, વાતાવરણમાં પ્રદૂષણ અને ધૂળના રજકણોએ મુશ્કેલી વધારી

(પ્રતિનિધિ), વડોદરા. તા.17
વડોદરામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણના મિજાજમાં વિચિત્ર પલટો જોવા મળી રહ્યો છે. શહેરીજનો હાલમાં ‘બેવડી ઋતુ’નો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોર પડતા જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળે છે. તાપમાનમાં આવતા આ અચાનક ઉતાર-ચઢાવને કારણે વડોદરાવાસીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. ખાસ કરીને શરદી, ખાંસી અને ગળામાં ઇન્ફેક્શનના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. શહેરની મધ્યમાં આવેલી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં હાલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જનરલ મેડિસિન વિભાગ અને ENT વિભાગમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
સયાજી હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણ એ પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે ઋતુ બદલાઈ રહી છે અને તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે, તેના કારણે વાયરલ લોડ વધ્યો છે. વધુમાં, વાતાવરણમાં વધેલા પ્રદૂષણ અને ધૂળના રજકણોને લીધે શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ વધી છે. સયાજી હોસ્પિટલની દૈનિક OPDમાં સામાન્ય દિવસો કરતા 5 થી 7 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ડૉક્ટરોના નિરીક્ષણ મુજબ, આ વખતે દર્દીઓમાં માત્ર શરદી જ નહીં પરંતુ ‘થ્રોટ ઇન્ફેક્શન’ (ગળામાં દુખાવો) અને સૂકી ખાંસીના કેસો વધુ જોવા મળી રહ્યા છે. પ્રદૂષિત હવા અને બદલાતા તાપમાનને કારણે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સીધું ગળા પર અસર કરી રહ્યું છે, જેના કારણે દર્દીઓને અવાજ બેસી જવો અથવા ગળવામાં તકલીફ પડવી જેવી સમસ્યાઓ થઈ રહી છે. ડો. હિતેન્દ્ર ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા લોકો સામાન્ય શરદી સમજીને મેડિકલ સ્ટોર પરથી જાતે જ એન્ટીબાયોટીક્સ દવાઓ લેતા હોય છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો લક્ષણો વધુ જણાય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.