Vadodara

વડોદરામાં મહાશિવરાત્રીની ઉજવણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેર-જિલ્લાના ધારાસભ્યોની માંગ સ્વીકારી

ચાલુ વર્ષમાં શિવ જી કી સવારી માટેનો ખર્ચનું કામ સ્થાયી સમિતિએ મુલતવી કર્યું હતું

આજે વિધાનસભાના વિરામ દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં શહેર જિલ્લાના ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. ધારાસભ્યો દ્વારા મહાશિવરાત્રી ઉત્સવને વધુ સુંદર અને ભવ્ય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. ખાસ કરીને વડોદરા શહેર અને જીલ્લાના તમામ ધારાસભ્ય વિસ્તારમાં મહાશિવરાત્રી પૂર્વે વિવિધ કાર્યક્રમો જેવા કે શિવમેળો, શિવજીની સવારી અને મહાઆરતી વગેરે પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવે તે માટે ટુરીઝમ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં તમામ પ્રકારના કલાકાર, લાઇટીંગ, લાઉડસ્પીકર અને ફરાસખાનાનું કામ યોગ્ય રીતે ટુરીઝમ વિભાગ અને અન્ય વિભાગો દ્વારા કરવામાં આવે એવી પણ વિનંતી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષમાં શિવ જી કી સવારી માટે સ્થાયી સમિતિએ કામ મુલતવી કરતા ધારાસભ્યો નારાજ થયા હતા.

ધારાસભ્યોની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ ધારાસભ્યોની આ માંગને સકારાત્મક રીતે સ્વીકાર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા આ મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત શિવજીની સવારી, શિવમેળો અને સુરસાગરની મધ્યમાં મહાદેવની મહાઆરતીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભરવાનો રહેશે. આ નિર્ણયથી વડોદરા શહેર તથા જીલ્લાના તમામ ધારાસભ્યો ખુશી અનુભવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પણ ધારાસભ્યોનો આભાર માન્યો છે અને ગુજરાતમાં ધર્મ-સંસ્કૃતિના ઉત્સવો શાંતિપૂર્ણ રીતે અને વધુ મિજાજથી ઉજવવા માટે સરકાર પૂરું સહકાર આપતી રહેશે તેવી ખાતરી આપી છે.

Most Popular

To Top