રોજબરોજની કાર્યવાહીઓ છતાં દબાણો યથાવત
વેપારીઓના ચતુરાઈભર્યા ઉપાયો સામે પાલિકા તંત્ર લાચાર
વડોદરાના મદનઝાંપા રોડ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણોના કારણે લાંબા સમયથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સાયકલ બજાર અને ફ્રુટ બજારમાં પથારાવાળા અને દુકાનદારો દ્વારા ફૂટપાથ અને રસ્તાઓ પર ગેરકાયદે દબાણો કરવામાં આવતા વાહનવ્યહાર માટે મુશ્કેલી ઊભી થતી હતી. ત્યારે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મદનઝાંપા રોડ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમે ફૂટપાથ અને રસ્તા ઉપર ગોઠવાયેલા ફળ-ફ્રુટના પથારા અને સાઇકલ દુકાનો હટાવી, કબજે કરેલો સામાન સ્ટોરમાં જમા કરાવ્યો. પરંતુ, દર વખતે દેખાતી સમસ્યા એ છે કે દબાણ હટાવવાની જાણકારી વેપારીઓને અગાઉથી થઈ જતી હોય છે, જેના કારણે તેઓ પોતાનો માલ દુકાનમાં રાખી લે છે. આ વખતે પણ એવું જ થયું, જેનાથી પાલિકા તંત્રને મોટાભાગે ખાલી હાથ પરત ફરવું પડ્યું. મદનઝાંપા રોડ પર સાઇકલના વેપારીઓ ફૂટપાથ પર તેમનો સામાન ગોઠવી દેતા હોય છે, જેના કારણે ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થાય છે. ઉલ્લેખનીય છે કે, દબાણ હટાવવાની કાર્યવાહી પછી થોડા દિવસ માટે સ્થિતિ સુધરે છે, પણ થોડી જ વારમાં દબાણો ફરી ઉભા થઈ જાય છે.
વડોદરામાં દબાણો હટાવવાની કામગીરીમાં તંત્રની સખ્તાઇ જરુર છે. જો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સાબદી અને વ્યવસ્થિત રાખવી હોય, તો એક સખત અને લાંબા ગાળાનો દબાણ નિયંત્રણ પલાન અપનાવવો જરૂરી બન્યો છે. ગેરકાયદે દબાણ કરનારા સામે કડક કાર્યવાહી અને નિયમિત ચેકિંગ થવું જોઈએ જેથી શહેરીજનો માટે સુખદ અને સુરક્ષિત વાહનવ્યહાર શક્ય બને.
