ટ્રાફિક પોલીસના અંકુશ પર ફરી સવાલ
વડોદરા, તા. 6
વડોદરા શહેરમાં ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસનો કોઈ અસરકારક અંકુશ ન હોવાની હકીકત ફરી એકવાર સામે આવી છે. અકસ્માત ઝોન તરીકે ઓળખાતા એલ એન્ડ ટી સર્કલ (વુડા સર્કલ) પાસે બેકાબૂ ટ્રકે માતેલા સાંઢની જેમ દોડી આવીને એક સાથે કાર સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે અકસ્માતમાં વાહનચાલકોને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી, પરંતુ ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું છે.
ઘટનાના પગલે વુડા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત કર્યા બાદ ટ્રકચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો, જ્યારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 6 ફેબ્રુઆરીના રોજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે ભારે ટ્રાફિક વચ્ચે ઝડપે આવી રહેલા ટ્રકે પહેલા એક કારને અને ત્યારબાદ અન્ય બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના જણાવ્યા મુજબ, સર્કલ પાસે આવેલી કોચિંગ ક્લાસિસમાંથી વિદ્યાર્થીઓ છૂટતા સમયે અવારનવાર ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે અકસ્માતોની સંભાવના વધી જાય છે.
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં આ ઘટનાને લઈને પોલીસ તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે શહેરમાં મોટા ભાગના અકસ્માતો ભારદારી વાહનોના કારણે થાય છે, છતાં ટ્રાફિક પોલીસ માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરી આંકડા વધારવામાં વ્યસ્ત રહે છે. પરિણામે, ‘જૈસે થે’ જેવી સ્થિતિ યથાવત્ રહે છે અને અકસ્માતોની વણઝાર ચાલુ જ રહે છે.
શહેરમાં વધતા અકસ્માતોને જોતા હવે ભારે વાહનો પર કડક નિયંત્રણ અને નિયમિત ચેકિંગ કરવાની માંગ ઉઠવા લાગી છે.