પાલિકા દ્વારા શહેરને એવું શણગારવામાં આવ્યું કે ખુદ નગરજનો જ આશ્ચર્યચકિત થઇ ગયા
વડોદરા શહેરને ભવ્ય ડેકોરેશનથી શણગારવવામાં આવ્યું. ભારત અને સ્પેનના વડાપ્રધાનના વડોદરામાં આગમનના પગલે દિવાળી પહેલા જ સાજ શણગાર કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરીમાં પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે જોતરાઈ ગયું. 28મી ઓક્ટોબરના રોજ વડોદરામાં બે વડાપ્રધાનનો રોડ શો યોજાશે. જેના માટે અત્યારથી જ ભવ્ય ડેકોરેશન કરી દેવામાં આવ્યું છે. આ ડેકોરેશન જોઈને નગરજનોની પણ આખો અંજાઈ જાય તેવા ભવ્ય કેસરી રંગના ગેટ બનાવવામાં આવ્યા છે.
વડોદરામાં આગામી 28 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝનો વડોદરા શહેરમાં ભવ્ય રોડ શો યોજાશે. ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ટાટા એરક્રાફટ પ્લાન્ટની એસેમ્બલી લાઈનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. જે દરમિયાન તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ ખાસ ઉપસ્થિત રહેશે. જેથી એરપોર્ટથી લઈને ટાટા એર ક્રાફટ કોપ્લેક્ષ સુધી બંને વડાપ્રધાનનો રોડ શો યોજાશે. બંને વડા પ્રધાન 2.5 કિમીનો રોડ કરશે.વડાપ્રધાનના રોડ શો ને લઈને પણ વડોદરા મહાનગર પાલિકા દ્વારા યુદ્ધ ના ધોરણે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. એરપોર્ટથી લઈને ટાટા એર ક્રાફટ કોપ્લેક્ષ સુધી 2.5 કિમીના રોડ પર મોટા મોટા કેસરી ગેટ બનાવવામાં આવ્યા છે. જેમાં પણ કેસરી તોરણથી શણગાર કરવામાં આવ્યો છે. આખા રસ્તાને અત્યારથી જ લાઈટોથી ઝગમગતું કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખરેખર ખુબ જ શહેરની સુંદરમાં ચાર ચાંદ લાગી ગયા છે. શહેરને આટલું સ્વચ્છ અને સુંદર જોઈ ખુદ વડોદરા વાસીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે.મહત્વનું છે કે, હવે 10 જ દિવસમાં વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટના એસેમ્બલી પ્લાન્ટનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરવાની સાથે બીજા અન્ય વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે.