- ભરત શાહે રાજીનામુ આપી દેતા પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા નવા સંયોજક તરીકે નિમાયા
- સહસંયોજક તરીકે પૂર્વ શહેર મહામંત્રી રાકેશ પટેલને જવાબદારી અપાઈ
વડોદરા ભાજપામાં રોજે રોજ કઈક ને કંઈક નવું જોવા મળી રહ્યું છે. અગાઉ ઉમેદવારને બદલ્યા બાદ હવે ચૂંટણી સંયોજકને પણ બદલવામાં આવ્યા છે. ચૂંટણી સંયોજક તરીકે પૂર્વ મેયર ભરત શાહે અંગત કારણોસર રાજીનામુ આપ્યા બાદ પાર્ટીએ તે સ્વીકારી લીધું અને નવા સંયોજક તરીકે પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલાની નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટના રાજીનામાં બાદ થોડા જ દિવસમાં ડો. હેમાંગ જોશીને વડોદરા લોકસભાના ઉમેદવાર જાહેર કરી હતી. ભાજપાના ચૂંટણી સંયોજક તરીકે શહેરના પૂર્વ મેયર ભરત શાહની નિમણૂંક કરવામાં આવી હતી. એક તરફ રંજનબેનનો વિરોધ ચાલી રહ્યો હતો. બીજી તરફ રંજનબેને વિધાનસભા દીઠ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો અને સંમેલન પણ યોજાયા હતા. ચાલી રહેવા વિવાદો વચ્ચે અચાનક રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દરશાવી દીધા બાદ પાર્ટીએ ડો. હેમાંગ જોશીના નામની જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણી સંયોજક તરીકે ભરત શાહ યથાવત હતા. હવે રંજનબેન ઉમેદવાર રહ્યાં નથી જેથી ચૂંટણીલક્ષી વિધાનસભા દીઠ યોજાયેલા કાર્યક્રમોનો જે પણ ખર્ચ થયો છે, તેનો ખર્ચ કોણ ભોગવશે ? આ સવાલ ઉભો થયો હતો. ખર્ચની જવાબદાર સ્વાભાવીક પાર્ટીની જ હોય, જેથી આ ખર્ચની ઉઘરાણી શરૂ થઇ પણ ભરત શાહ પાસે કોઇ જવાબ ન હોવાની ચર્ચા છે. આ અંગે વારંવાર શહેર ભાજપના ઉચ્ચ હોદ્દેદારને જાણ કરતા કોઇ સંતોષકાર જવાબ મળતો ન હોવાની પણ એક ચર્ચા છે. આખરે તેમણે પાર્ટી હાઇકમાન્ડને પોતાનુ રાજીનામુ ધરી દીધું હતું. અને તે પાર્ટીએ સ્વીકારી લીધું હતું. અને નવા ઉમેદવાર ડો હેમાંગ જોશી સાથે નવા ચૂંટણી સંયોજક તરીકે પૂર્વ મંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલા અને સહ-સંયોજક તરીકે પૂર્વ શહેર મહામંત્રી રાકેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે ભારત શાહે પોતાનું અંગત કારણ આગળ ધરી રાજીનામુ આપ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.