પ્રતિનિધિ વડોદરા તા. 12
78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે વડોદરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાથે જ હજારોની સંખ્યામાં તિરંગાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં યોજાયેલ તિરંગા યાત્રા સફળ તો થઈ પરંતુ ક્યાંક ને ક્યાંક તિરંગાનું અપમાન થતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ કાર્યક્રમમાં તિરંગા વિતરણ કેન્દ્ર પર “રાષ્ટ્રધ્વજ” વિતરણ કેન્દ્રના કાઉન્ટરની નીચે પડી ગયો હતો અને કેટલાય લોકોના પગમાં તિરંગો આવતો હતો. રાષ્ટ્રધ્વજ ભારત દેશની આન બાન અને શાન છે અને આ પ્રકારે તિરંગાનું અપમાન થાય તે યોગ્ય નથી. એક નાગરિકની નજર આ તિરંગા પર પડતા જ તેમણે તાત્કાલિક તિરંગાને ઉઠાવીને કાઉન્ટર પર મૂકી દીધો હતો.
હોમગાર્ડ થયા નારાજ કહ્યું “ભિખારી થોડા છીએ”
તિરંગા વિતરણ કેન્દ્ર પર જ્યારે રાષ્ટ્રધ્વજ નું વિતરણ કરવામાં આવતું હતું ત્યારે હોમગાર્ડના એક જવાન નારાજ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હોમગાર્ડ જવાન પાસે પહેલેથી જ ચાર રાષ્ટ્રધ્વજ હતા પરંતુ તેમના દ્વારા હજી એક તિરંગા ની માંગણી વિતરણ કેન્દ્ર પર કરવામાં આવી હતી. વિતરણ કેન્દ્ર પર તિરંગા વેચનાર વ્યક્તિએ તેમને વધુ તિરંગા આપવાની ના પાડતા હોમગાર્ડના જવાન નારાજ થયા હતા અને કહ્યું હતું કે “ભિખારી થોડા છીએ”