ભાયલીનાં હાલે ઉઘાડી સ્માર્ટ સિટીની હકીકત, તંત્ર સામે ગ્રામજનોનો રોષ
વરસાદી કાંસની ગંદકીથી દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ, તંત્ર સામે માજી સરપંચે દેખાડ્યો રોષ
વડોદરા: વડોદરા કોર્પોરેશનમાં ભાયલી ગામનો સમાવેશ થયાને આજે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં ગામના રહીશોને હાલ હજુ પણ પાયાની સુવિધાઓ માટે દોડધામ કરવી પડી રહી છે. ભાયલી વિસ્તારમાંથી પસાર થતા વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટ ભરાઈ જતાં વિસ્તાર દુર્ગંધથી દુસ્મીત બની ગયો છે, જ્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે.
ગામના માજી સરપંચ દર્પણ પટેલે અનેક વખત વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર કોઈ કામગીરી કરવા માટે તત્પર દેખાતું નથી. વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેનાથી તેમની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે.
વરસાદી કાંસમાં સફાઈ ન થતાં ગંદકી, પ્લાસ્ટિકના કચરાના ઢગલા, દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. રહીશોમાં ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ તંદુરસ્ત વાતાવરણથી વંચિત રહી રહ્યાં છે. વિરોધ અને રોષ વચ્ચે માજી સરપંચ દર્પણ પટેલે તંત્રને ટકોર કરતા કહ્યું કે, “સ્માર્ટ સિટીના નામે ફક્ત શોભાના પદ છે, વાસ્તવિકતા તો એવી છે કે ગામના લોકોને પાયાની સુવિધાઓ પણ મળી રહી નથી. રહેવાસીઓને આરોગ્યના હકથી વંચિત રાખવું એ તંત્રની નિષ્ફળતા છે.”
રહીશોએ પણ માંગ ઉઠાવી છે કે, તંત્રે ઝડપથી વરસાદી કાંસની સફાઈ કરી, ગ્રામજનોને દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી મુક્તિ આપવી જોઈએ. આ સમસ્યા પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહિ થાય તો સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
