વડોદરા, તા. 19:
વડોદરા શહેરમાં ગઠિયા ટોળકીઓ દ્વારા લૂંટ અને ચીલઝડપની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. તાજેતરમાં શહેરના અલગ-અલગ બે સ્થળે બનેલી લૂંટની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. મોપેડ પર આવેલા ગઠિયા મહિલા તથા વૃદ્ધને ટાર્ગેટ બનાવી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ભરેલા પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
🔹 પ્રથમ બનાવ
માતા-પુત્રી પાસેથી રૂ. 2.21 લાખની સોનાની બંગડીની ચીલઝડપ
ઉંડેરા વિસ્તારમાં આવેલી ઇશાનીયા ફ્લોરેન્ઝાના રહેવાસી અનુરાધા ગોપાલ દત્તા (ઉંમર 41) તેમની માતા સાથે બપોરે ચકલી સર્કલ પાસેના કલ્યાણ જ્વેલર્સમાં સોનાની ખરીદી માટે ગયા હતા. સોનાની બંગડી ખરીદી પર્સમાં મૂકી તેઓ બપોરે અંદાજે 3:15 વાગ્યે સ્કૂટર પર ઘરે પરત ફરવા નીકળ્યા હતા.
ક્રુણાલ ચાર રસ્તા પાસે ચા-નાસ્તો કર્યા બાદ સાંજે આશરે 4 વાગ્યે ફરીથી મુસાફરી શરૂ કરી હતી. તે દરમિયાન બે ગાંઠિયા સ્કૂટર પર આવી પાછળ બેઠેલા વ્યક્તિએ માતાના હાથમાંથી ઓરેન્જ કલરનું પર્સ ઝૂંટવી લીધું અને લક્ષ્મીપુરા રોડ તરફ ફરાર થઈ ગયા હતા.
પર્સમાં રૂ. 2.21 લાખની કિંમતની સોનાની બંગડી, એક મોબાઈલ, રૂ. 3 હજાર રોકડા તથા એટીએમ કાર્ડ હતું.
🔹 બીજો બનાવ
વૃદ્ધ પાસેથી રૂ. 1.50 લાખ રોકડા, બે મોબાઈલની ચીલઝડપ
ઓ.પી. રોડ પર આવેલી રાજપથ સોસાયટીમાં રહેતા કલ્પેશકુમાર કૈલાસગીરી મહંત એક્ટિવા પર મહારાજ ફાર્મ (સનફાર્મા રોડ, તાંદલજા)થી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમના ખભે લટકાવેલા કાળા રંગના પર્સમાં બેંકમાંથી ઉપાડેલા રૂ. 1.50 લાખ રોકડા, બે મોબાઈલ અને ડાયાબિટીસની દવાઓ હતી.
રાત્રે ચરોતર પાર્ક સોસાયટી પાસે પહોંચતા જ પાછળથી મોપેડ પર આવેલા ત્રણ ગાંઠિયાઓએ છેલ્લે બેઠેલા વ્યક્તિ દ્વારા પર્સ ઝૂંટવી લીધું અને ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી.
🔹 પોલીસ કાર્યવાહી:
બંને ઘટનાઓ અંગે પોલીસે ફરિયાદ નોંધી ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં વધતી લૂંટની ઘટનાઓને પગલે નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પેટ્રોલિંગ વધુ કડક કરવાની માંગ ઉઠી રહી છે.