અન્ય શંકાસ્પદ લોકોએ જણાવેલા સરનામા પર એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસ કરવા રવાના થશે
વડોદરા તા.28
વડોદરા શહેરમાં ઘૂસણખોરી કરીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે વડોદરા શહેર પોલીસની 25 ટીમો દ્વારા સતત બે દિવસથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને 1300 જેટલા શંકાસ્પદ લોકોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ગેરકાયદે વસવાટ કરતાં 8 બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. અન્ય શંકાસ્પદ હોય તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગૃહ મંત્રી દ્વારા ગુજરાતમાં ઘૂષણખોરી કરનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને શહેર પોલીસ દ્વારા સતત બે દિવસથી વડોદરાના ચાર ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, સાયબર ક્રાઇમના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓની 25 જેટલી ટીમો બનાવીને ગેરકાયદે રહેતા અન્ય દેશના લોકોને શોધી કાઢવા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા શહેર પોલીસના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઇ આજવા રોડ એકતાનગર ઝુપડપટ્ટી, તુલસીવાડી, તાંદલજા, હાથીખાના, કરોડીયા રોડ, મન્સુરી કબ્રસ્તાન, અકોટા, નવાયાર્ડ, યાકુતપુરા સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત કોમ્બિંગ હાથ ધરી અન્ય દેશોમાંથી છુપી રીતે પ્રવેશ કરી ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરના ચારે ઝોનમાંથી 1300 જેટલા શંકાસ્પદ લોકોને શોધી તમામના આધાર પુરાવાની ચકાસણી કરાઈ હતી. ઉપરાંત આ લોકોની સઘન પુછપરછ તેમજ તેઓએ ઉપયોગ કરેલા મોબાઇલ ફોન તથા તેઓના સંપર્કમાં રહેલા લોકોને વેરીફાય કરાયા હતા. જેમાં 41 જેટલા શંકાસ્પદમાંથી વડોદરામાં ગેરકાયદે પ્રવેશ કરી રહેતા 8 જેટલા બાંગ્લાદેશી લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. વડોદરા શહેરના ઝોન- 2માંથી 2, ઝોન-3માંથી 3 અને ઝોન-4 માંથી 3 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. આ બાંગ્લાદેશીમાં 3 પુરૂષ, 4 મહીલા તેમજ 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 20 જેટલા શંકમંદોની પણ પુછપરછ ચાલી રહી છે. ઉપરાંત આ બાંગ્લાદેશીઓએ ઉપયોગ કરી રહેલા મોબાઈલ ફોન, ફોનથી સંપર્કમાં રહેનાર વ્યક્તિઓની તેમજ બાંગ્લાદેશીના મોબાઇલમાં ચાલતા સોશિયલ મીડિયા એકાઉન્ટની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરાઈ રહી છે. બાંગ્લાદેશીના સગાસબંધીઓની તેમજ તેમના ડોક્યુમેન્ટસની પણ ખરાઇ કરવા સાથે બાંગ્લાદેશીઓના કન્સાઇન્મેન્ટ ઓર્ડર મેળવવાની વિવિધ એજન્સીઓ દ્વારા પુછપરછ હાલમા જારી છે. આ શંકાસ્પદ લોકોએ જણાવેલા સરનામા બાબતે બાંગ્લાદેશના સરહદી રાજ્યોમાં જઇ ક્રાઇમ બ્રાંચ તેમજ એસઓજીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે.