Vadodara

વડોદરામાં બેફામ વાહનચાલકોનો આતંક, હવે તો ખાખી પણ અસુરક્ષિત

ખંડેરાવ માર્કેટ પાસે બાઇક સવારે મહિલા પોલીસ કર્મીને અડફેટે લીધા, કાયદાનો ડર ક્યાં ?

(પ્રતિનિધિ), વડોદરા. તા.14

વડોદરામાં જાણે અકસ્માતોનો ‘સિલસિલો’ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના રાજમાર્ગો હવે વાહનચાલકો માટે જોખમી અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આજે શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં બનેલી ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છે. મળતી માહિતી મુજબ, ખંડેરાવ માર્કેટ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇક સવારે મહિલા પોલીસ કર્મીને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પોતાની ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મી જ જ્યારે રસ્તા પર સુરક્ષિત ન હોય, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત મહિલા કર્મીને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જ્યારે અકસ્માત સર્જનાર બાઇક સવારને કસ્ટડીમાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવાપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે. શહેરમાં વારંવાર બનતાં અકસ્માતોને કારણે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

  • સવાલો :- શું વડોદરાના રસ્તાઓ પર યમરાજનો વાસ છે ?
  • ગતિની મર્યાદા ક્યાં ? :- શહેરના ગીચ વિસ્તારોમાં પણ વાહનચાલકો ગતિ મર્યાદાના નિયમો કેમ નેવે મૂકી રહ્યા છે ?
  • કાયદાનો ડર કેમ નથી ? :- પોલીસની હાજરીમાં જ પોલીસ પર ગાડી ચઢાવી દેવાની હિંમત ક્યાંથી આવે છે ? શું દંડની રકમ ઓછી છે કે ડરનો અભાવ ?
  • તંત્રની નિષ્ક્રિયતા :- શું તંત્ર માત્ર અકસ્માત થયા પછી જ જાગશે ? ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા છે ?

વડોદરામાં માર્ગ અકસ્માતોની આ વણઝાર રોકવા માટે હવે માત્ર દંડ નહીં, પણ કડક જેલવાસ અને લાયસન્સ રદ કરવા જેવા આકરા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. જો આજે ખાખી સુરક્ષિત નથી, તો કાલે સામાન્ય નાગરિકનો વારો હોઈ શકે છે. વહીવટી તંત્ર અને ટ્રાફિક વિભાગે હવે કાગળ પરની કાર્યવાહી છોડી મેદાનમાં ઉતરવું જ પડશે.

Most Popular

To Top