*એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પથી દેશવાસીઓમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન થકી નાગરિકોમાં બંધુત્વની ભાવના વિકસી છે
*૦ ઇતિહાસના ગૌરવશાળી પ્રસંગોથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી બિહાર દરેક ક્ષેત્રમાં બિહારે પોતાની અમિટ છાપ છોડી
બિહાર રાજ્ય એ જ્ઞાન અને વિકાસના કેન્દ્ર સાથે સાંસ્કૃતિક વારસાની ભૂમિ છે
પાછલા વર્ષોમાં બિહાર ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા મેળવીને વિકાસના માર્ગે અગ્રેસર
**********
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પથી દેશવાસીઓમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે.
બિહાર દિવસ – ૨૦૨૫ અંતર્ગત વડોદરા ખાતે યોજાયેલા એક ભારત, શ્રેષ્ઠ ભારત બિહાર સ્નેહ મિલન સમારોહમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બિહારી પ્રાંત લોકોનું અભિવાદન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, ૨૨ માર્ચથી બિહાર સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં વ્યાપક રીતે થઇ રહી છે. આ ઉજવણી હેઠળ અનેકવિધ કાર્યક્રમનો આયોજન કરીને ગૌરવ ગાન કરવાનો અભિગમ સૌએ અપનાવ્યો છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન થકી નાગરિકોમાં બંધુત્વની ભાવના વિકસી હોવાની વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, ગુજરાત અને બિહાર હજારો કિલોમીટર દૂર હોવા છતાં બિહારનો સ્થાપના દિવસ હોય કે બિહારના તહેવારો, તેની ધામધૂમથી ભવ્ય ઉજવણી ગુજરાતની ધરતી ઉપર ઉમંગ અને ઉલ્લાસમય રીતે થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગત્ત મહિને જ ગાંધીનગરમાં મિથિલા ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા વિકાસની સુવાસ ચોમેર ફેલાઇ છે. પાછલા વર્ષોમાં બિહાર પણ ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા મેળવીને વિકાસના માર્ગે અગ્રેસર બન્યું છે.
પટેલે બિહારની પ્રાચીન સાંસ્કૃતિક મહત્તાની ભૂમિકા આપતા જણાવ્યું કે, માતા સીતાની જન્મભૂમિ બિહાર છે તો મહર્ષિ વાલ્મિકીના તપની અને ભગવાન બુદ્ધના જ્ઞાનની ભૂમિ પણ બિહાર જ છે. જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાની ભૂમિ બિહારી હંમેશા દેશને નેતૃત્વ અને નવી ઊર્જા પ્રદાન કરી છે. ઇતિહાસના ગૌરવશાળી પ્રસંગોથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી બિહાર દરેક ક્ષેત્રમાં બિહારે પોતાની અમિટ છાપ છોડી છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનથી એનડીએ સરકાર બિહારને પ્રગતિ, સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.
ઉક્ત સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય ઇતિહાસને ગૌરવ અપાવનારૂ બિહાર આજે કર્તવ્ય કાળમાંથી પસાર થઈ રહ્યું છે. બિહાર અને સંસ્કૃતિ એક પરંપરાનું કેન્દ્ર પણ છે. વિરલ અને મહાન વ્યક્તિની આ પવિત્ર ભૂમિ અનેક ક્ષેત્રમાં અગ્રેસર રહી છે. આજે એક સુભગ સમન્વય એ પણ છે કે પટનામાં જન્મેલા શીખ ધર્મના ૧૦માં ગુરુ ગોવિંદસિંહ ખાલસા પંથની સ્થાપના આજના વૈશાખીના શુભ દિને કરી હતી. આ અતુલ્ય ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બિહાર રાજ્ય એ જ્ઞાન અને વિકાસનું કેન્દ્ર છે. સાંસ્કૃતિક વારસાની ભૂમિ છે. સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાનો બોધ આપનારા જૈન ધર્મનો વિચારનો પ્રચાર અને પ્રસાર પણ બિહારથી થયો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવા ભવ્ય દિવ્ય વારસાને વડાપ્રધાને બિહારના વિકાસ અને વિઝનમાં કેન્દ્ર સ્થાને રાખી આધુનિક ટેક્નોલોજીના વિનિયોગથી વિકાસ કરવાનો પણ સંકલ્પ કર્યો છે. દેશના અન્ય રાજ્યમાં વસતા દરેક બિહારીને બિહારના વિકાસની યાત્રામાં અને વિરાસતની ગૌરવ ગાથામાં યોગદાન આપવાના અવસર વડાપ્રધાનની પ્રેરણાથી યોજાતા આવા કાર્યક્રમોથી મળી રહ્યા છે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક રાજ્યને બિહારની સંસ્કૃતિને વધુ ગૌરવ આપવામાં માટે બિહારમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ સરકારને મોટા પ્રમાણમાં આશીર્વાદ આપવા આહ્વાન કર્યું હતું.
બિહારના પ્રવાસન મંત્રી રાજુ સિંહે બિહાર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે,બિહાર અને ગુજરાત મૌલિક રૂપે એકસમાન છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી સરદાર સાહેબનું અધુરૂ સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
બિહાર પ્રદેશ ભાજપા કિસાન મોરચાના અધ્યક્ષ મનોજકુમાર સિંહ અને ધારાસભ્ય સુનિલમણી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત,શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના બિહારની સાંસ્કૃતિક ધરોહર સાથે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવશે.ગુજરાતમાં વસતા બિહારવાસીઓના સ્વપ્નોને સાકાર કરવાનો અવસર આપવા બદલ ગુજરાતના નાગરિકોને તેમણે અભિનંદન આપ્યા હતા.ગુજરાતની પ્રગતિમાં બિહારવાસીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.
બિહાર સમાજના સંયોજક ડી.એન.ઠાકુરે જણાવ્યું હતું કે,ગુજરાત અને બિહારના સંબંધો વર્ષો જૂના રહ્યા છે.વડોદરામાં છઠ પૂજા પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.વર્ષ ૨૦૧૨ થી બિહાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રારંભમાં શહેર ભાજપા પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ સૌનો આવકાર કર્યો હતો.આ કાર્યક્રમમાં બિહારના પ્રસિદ્ધ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોની, ભાજપા ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા ભાજપા પ્રમુખ સતિષ પટેલ, સાંસદ ડો.હેમાંગ જોષી ધારાસભ્ય કેયુર રોકડિયા, મનપાના હોદેદારો,નગર સેવકો,પદાધિકારીઓ સહિત વડોદરામાં વસતા બિહાર સમાજના અગ્રણી વિધાન ઝા,રાજકુમાર સિંહ, રાજુ તિવારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
