એકતાનગર અને નવાયાર્ડમાં બાંગ્લાદેશી શકમંદોની અટકાયત બાદ રામેશ્વર ચાલીના રહીશો સતર્ક,
ચાલીના પ્રવેશદ્વારે મોટું બેનર લગાવ્યું, શંકાસ્પદ લારી-ફેરીયાઓના આઈડી કાર્ડ ચકાસી રહ્યા

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બિનઅધિકૃત રીતે રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી શકમંદોની અટકાયતના બનાવો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં એકતાનગર અને નવાયાર્ડ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં લગભગ 200 જેટલા શકમંદોને પકડી તેમની દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.
આ ઘટનાને પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને રામેશ્વર ચાલીના રહેવાસીઓએ પોતાની સુરક્ષા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ચાલીના પ્રવેશદ્વારે મોટું બેનર લગાવવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, માત્ર ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરીયાઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

સ્થાનિકોએ જણાવ્યું કે, “અત્યારે શહેરમાં ઘૂસણખોરી વધી રહી છે. તંત્ર પોતાની રીતે સતર્ક છે, પણ અમારે પણ આપણા વિસ્તારની સુરક્ષા માટે પગલાં લેવા જરૂરી છે.”
ચાલીના રહેવાસીઓએ નક્કી કર્યું છે કે, હવે જે પણ શાકભાજી, ફળ, દૂધ કે અન્ય વસ્તુઓ વેચવા આવે છે, તેમનું આધાર કાર્ડ, પાનકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર ચકાસવામાં આવશે. જો કોઇ પાસે યોગ્ય દસ્તાવેજ નહીં હોય, તો તેમની પાસે કોઈ પણ ખરીદી નહીં કરવામાં આવે અને શંકાસ્પદ જણાશે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવશે.
ચાલીના એક રહેવાસી મહિલા કહે છે, “અમારી ચાલીને નવાયાર્ડ માત્ર 500 મીટર દૂર છે. ત્યાંથી જ પોલીસ દ્વારા શકમંદોને પકડવામાં આવ્યા હતા. હવે અમે પણ દરેક અજાણ્યા વ્યક્તિના દસ્તાવેજ ચકાસી રહ્યા છીએ. સુરક્ષા માટે આ જરૂરી છે.”
આ ઘટનાથી શહેરમાં લોકજાગૃતિ વધી છે અને અન્ય વિસ્તારોના રહીશો પણ આવી જ સાવચેતી રાખવા માટે વિચાર કરી રહ્યા છે. પોલીસ તંત્ર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહ્યું છે, જેથી શહેરમાં બિનઅધિકૃત પ્રવેશ પર નિયંત્રણ રહી શકે.
– સ્થાનિકો અને તંત્ર બંને સતર્ક બન્યા…
વડોદરામાં બિનઅધિકૃત પ્રવેશ સામે સ્થાનિકો અને તંત્ર બંને સતર્ક બન્યા છે. રામેશ્વર ચાલીએ ઉદાહરણરૂપ પગલાં લઈને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે. આવનારા સમયમાં આવા પગલાં અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.