યાકુતપુરામાં રિક્ષાચાલક બે ભાઈઓ પર ઘાતક હુમલો, CCTVમાં દ્રશ્યો કેદ થયા, પોલીસ દોડતી થઇ
વડોદરા તા.7
વડોદરા શહેરમાં ફરી એકવાર ગુનાખોરી માથું ઊંચકતી નજરે પડી રહી છે. કુખ્યાત બિચ્છુ ગેંગ ફરી સક્રિય બનતાં માથાભારે અસ્ફાખ સહિતની ગેંગ દ્વારા યાકુતપુરા વિસ્તારમાં રિક્ષાચાલક બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુજસીટોક હેઠળ જેલમાં ભોગવી બહાર આવેલા અસફાક શેખ ફરી આતંક મચાવતા પોલીસ દોડતી થઈ છે.

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા સૈયદ પરિવારના બે ભાઈઓ પર બિચ્છુ ગેંગના સભ્યો દ્વારા જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગેંગના મુખ્ય શખ્સ અસફાક શેખે પોતાના સાથીદારો સાથે મળીને ઘાતક હથિયારો વડે બંને ભાઈઓને નિશાન બનાવ્યા હતા. હુમલો એટલો ગંભીર રીતે કર્યો હતો કે બંને ભાઈઓને ગંભીર ઈજાઓ સાથે લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.

ઘટનાના દૃશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં હુમલાખોરો હુમલો કરીને ભાગતા જોવા મળે છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ શહેર પોલીસ હરકતમાં આવી ગઈ છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે આરોપી અસફાક શેખ અગાઉ ગુજસીટોક હેઠળ જેલમાં હતો અને થોડા સમય પહેલાં જ બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગેંગને સક્રિય કરીને ગુનાખોરી શરૂ કરવાથી પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલ સિટી પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાથી યાકુતપુરા સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સ્થાનિકો દ્વારા પોલીસ પાસે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.