કામગીરીને લઈને સ્થાનિકોમાં અસંતુષ્ટિ, તંત્ર સામે ઉઠ્યા સવાલો
વડોદરાના બગીખાના રોડ પર તાજેતરમાં જ નવીન ડામર રોડ બનાવાયો હતો, પણ થોડા જ દિવસોમાં રોડ ખરાબ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો અને રાહદારીઓ રોડના અલાઈમેંટ અને ગુણવત્તાને લઈને ભારે અસંતુષ્ટ છે, કારણ કે આ રોડ હાથેથી જ ઉખડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રોડની બંને તરફ યોગ્ય જગ્યા છોડવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. વધુમાં, રસ્તાનો સ્લોપ સોસાયટી તરફ આપવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી સોસાયટીમાં ઘૂસવાની શક્યતા વધી છે. રહેવાસીઓએ આ મુદ્દાને ગંભીરતાથી ઊઠાવતાં જણાવ્યું કે, આ રોડનું નિર્માણ જે પ્રકારે કરવામાં આવ્યું છે તે ભવિષ્યમાં વધુ તકલીફો ઊભી કરી શકે છે.
આ સિવાય, રોડ પર ગટરના ઢાંકણાં ડામર હેઠળ દબાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે, જેનાથી સફાઈ અને ગટરના પાણીના વહનમાં અવરોધ ઊભો થવાનો ભય છે. આ બધાં મામલાઓ અંગે સ્થાનિકો દ્વારા તંત્ર સામે પ્રશ્નો ઉઠાવાયા છે અને તુરંત યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
