વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ: ચોકલેટ અને કન્ફેક્શનરીના 22 નમૂના લેવાયા, મોબાઈલ વાન દ્વારા સ્થળ પર 60 ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ
વડોદરા: શહેરના મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ખાણી-પીણીના એકમોમાં તપાસ કરવાની સાથે નિયમભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના કાલુપુરા, સંગમ ચાર રસ્તા, અટલાદરા અને સરદાર એસ્ટેટ જેવા વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા કુલ 06 એકમો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં 02 ઉત્પાદક પેઢી, 01 હોલસેલર,01 ડિસ્ટ્રીબ્યુટર
02 રીટેલર આ તપાસ દરમિયાન મિલ્ક ચોકલેટ, સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી, કોટેડ વેફર, બબલગમ અને ડાર્ક ચોકલેટ જેવા વિવિધ 22 નમુનાઓ લેવામાં આવ્યા હતા.
શાળા-કોલેજોની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં, શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ ઈનોબિટ મોલની સામે આ નિયમનો ભંગ થતો હોવાનું જણાયું હતું.
તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 મુજબ 20 હોકર યુનિટ પર ચેકિંગ હાથ ધરાયું હતું. તે પૈકી 08 હોકરો જેમાં ખુશી ટી સેન્ટર, ખુશી નાસ્તા હાઉસ, મહાકાળી ગલ્લા, તુલસી પાન, જય સાંઈનાથ, જય અંબે મલાઈ લસ્સી, અજય પાન અને શ્રી જય અંબે પથારાનો સમાવેશ થાય છે પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ ઉત્પાદનોનું વેચાણ કરતા ઝડપાયા હતા. આ તમામ પાસેથી કુલ રૂ. 1600/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
:- મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ પર ચકાસણી…
*શહેરના કમાટીબાગ અને આર.વી. દેસાઈ રોડ વિસ્તારમાં ‘મોબાઈલ ટેસ્ટિંગ વાન’ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી.
*કુલ 31 હોકર યુનિટ પાસેથી મરચું પાવડર, ગ્રેવી, તેલ અને રેડ ચટણી જેવા અંદાજે 60 જેટલા નમુનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરાયું હતું.
*આ સાથે જ 31 એકમોના ફૂડ વેન્ડર્સ અને વર્કર્સને સ્વચ્છતા જાળવવા બાબતે ટ્રેનિંગ અને અવેરનેસ આપવામાં આવી હતી. તેમને ‘શિડ્યુલ 4’ ની નોટિસ મુજબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.