Vadodara

વડોદરામાં ‘ફાયર’ ફાઈટરોની આરપારની લડાઈ: પગાર મુદ્દે ડ્રાઈવરો હડતાલ પર, સેવા ખોરવાઈ​

હૈયા વરાળ: “અમે 24 કલાક પ્રજા માટે દોડીએ છીએ, પણ અમારા સંતાનોની ફી ભરવાના પણ ઠેકાણા નથી”

​કોર્ટના ચુકાદા છતાં તંત્ર ઉપલી અદાલતમાં જવાની તૈયારીમાં, કર્મચારીઓમાં ભારે રોષ

વડોદરા: શહેરના લાખો નાગરિકોની સુરક્ષા માટે જીવના જોખમે ફરજ બજાવતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના જવાનો આજે પોતાની સુરક્ષા અને હક્ક માટે રસ્તા પર ઉતર્યા છે. લાંબા સમયથી પગાર વધારો અને પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે 100થી વધુ હંગામી કર્મચારીઓ અને ડ્રાઈવરોએ એકાએક ‘વીજળીક હડતાલ’નું શસ્ત્ર ઉગામ્યું હતું. આ અચાનક ઉઠેલા વિરોધ વંટોળને કારણે પાલિકાના ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ફાયર સર્વિસ જેવી કટોકટીની સેવા ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ફાયર બ્રિગેડમાં છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી અનેક કર્મચારીઓ હંગામી ધોરણે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ સતત ફરજ બજાવતા હોવા છતાં તેમનો પગાર ક્યારેય સમયસર થતો નથી. આ મામલે કોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં હુકમ કરીને તેમને ન્યાય આપવા જણાવ્યું હતું, પરંતુ કોર્પોરેશન વહીવટી તંત્ર દ્વારા આ હુકમનો અમલ કરવાને બદલે ઉપરની અદાલતમાં પડકારવાની તજવીજ હાથ ધરતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે 19 તારીખ થઈ હોવા છતાં ગત માસનો પગાર ન થતા ડ્રાઈવરો નવલખી કમ્પાઉન્ડ ખાતે એકત્ર થયા હતા. કર્મચારીઓએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે 24 કલાક પ્રજાની સેવામાં હાજર રહીએ છીએ, પણ તંત્રને અમારા પરિવારની કોઈ ચિંતા નથી. પગાર ન થવાને કારણે બાળકોની સ્કૂલ ફી, ટ્યુશન ફી અને ઘરના ગેસ-લાઈટ બિલ ભરવા મુશ્કેલ બન્યા છે. કેટલાક સાથીદારોના ઘરે તો લાઈટ બિલ ન ભરાતા જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે.”

બીજી તરફ, હડતાલને કારણે ફાયર સ્ટેશનો પર કામગીરી પ્રભાવિત ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી વિહિકલપૂલમાંથી ડ્રાઈવરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાના મક્કમ નિર્ધાર સાથે જવાનોએ નવલખી ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે.
​- ​બાળકોની ફી બાકી ને લાઈટના કનેક્શન કપાયા: જવાનોની કરુણ વ્યથા…
​શહેરમાં ગમે ત્યાં આગ લાગે ત્યારે સાયરન વગાડતી ગાડીઓ લઈને સૌથી પહેલા પહોંચતા આ જવાનોના પોતાના જીવનમાં આજે અંધકાર છવાયો છે. હડતાલ પર ઉતરેલા જવાનોએ ભીની આંખે જણાવ્યું કે, “અમે આગ સામે લડી શકીએ છીએ, પણ ભૂખ સામે લડવું અઘરું છે.” 19-19 દિવસ સુધી પગાર ન મળતા અનેક કર્મચારીઓના ઘરે વીજળી ગુલ થઈ ગઈ છે તો અનેક જવાનોના બાળકોને ફી ન ભરાતા સ્કૂલેથી નોટિસ મળી છે. તંત્રની ઉદાસીનતા સામે હવે આ ‘અગ્નિવીરો’એ આરપારની લડાઈના મંડાણ કર્યા છે.

Most Popular

To Top