વડોદરા: પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે સુરક્ષા એજન્સીઓ દેશમાં સજાગ બની છે. આ જ ક્રમમાં વડોદરા શહેરમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આવા સંવેદનશીલ સમયગાળામાં શહેરમાં ફરી એકવાર લોકોના આકર્ષણના કેન્દ્ર બની રહેલા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર જાહેર માર્ગ પર લગાવાતા ચકચાર મચી ગઈ છે. શહેરના નરહરિ હોસ્પિટલથી કાશીબા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર પાકિસ્તાનના ધ્વજ દર્શાવતા પોસ્ટર લગાવાયા છે, જેમાં “પાકિસ્તાન મુર્દાબાદ” લખાયું હતું. વિશેષ વાત એ છે કે, આ પહેલાં પણ કારેલીબાગ વિસ્તારમાં આવા જ ધ્વજના પોસ્ટર લાગ્યા હતા, જેના કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તરત તેનું દુરસ્તિકરણ કરાયું હતું.