Vadodara

વડોદરામાં પોલીસ પર હુમલો કરનાર દંપતી ઝડપાયું

112ની જનરક્ષક ટીમ પર પથ્થરોથી હુમલામા બે પોલીસકર્મી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા
વડોદરા, તા.16
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પારિવારિક ઝઘડાની માહિતી મળતા સ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓ પર દંપતી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી અને 112 જનરક્ષક વાનના ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે હુમલો કરનાર દંપતીની ધરપકડ કરી છે.
માહિતી મુજબ કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ ઉપર ઝઘડો ચાલતો હોવાના “થ્રેટ ટુ લાઈફ” અંગે 112 પર કોલ મળતા જનરક્ષક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચતા ઈન્દીરાબેન ભાર્ગવ અને તેમના પતિ ધીરજભાઈ બનવારીલાલ સરોજ તેમની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. પોલીસકર્મીઓએ તેમને શાંતિ જાળવવા સમજાવતાં બંને એકાએક ઉશ્કેરાઈ ગયા હતા.
આ દરમિયાન દંપતીએ પોલીસકર્મીઓને ગાળો આપી ઝપાઝપી શરૂ કરી હતી. ધીરજભાઈએ જમીન પર પડેલા પથ્થરના બ્લોકથી એલઆરડી જવાન દીપકકુમાર તેજાભાઈના હાથ પર માર માર્યો હતો અને છૂટા પથ્થરથી છાતી પર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા જનરક્ષક 112ના ડ્રાઈવર પરેશભાઈ નરવતસિંહ ચૌહાણને પણ ખભા પર પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
મામલો વધુ ઊગ્ર બનતા જનરક્ષક ઈન્ચાર્જે શહેર કંટ્રોલ રૂમમાં મદદ માટે કોલ કર્યો હતો. બાદમાં કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસકર્મીઓએ આરોપી ધીરજભાઈને કાબૂમાં લઈને ગાડીમાં બેસાડ્યો હતો, પરંતુ તે દરમિયાન તેણે ડ્રાઈવરને પણ માર માર્યો હતો અને તેમનો શર્ટ ફાડી નાખ્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી દીપકકુમાર તેજાભાઈ અને ડ્રાઈવર પરેશભાઈને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અનાર્મ લોકરક્ષક દીપકકુમાર તેજાભાઈએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી દંપતી ઈન્દીરાબેન ધીરજભાઈ સરોજ અને ધીરજભાઈ બનવારીલાલ સરોજ (રહે. સોમાતલાવ ચાર રસ્તા, મહાદેવ મંદિર પાસે, વડોદરા) સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top