Vadodara

વડોદરામાં પોટરી વર્કશોપના નામે છેતરપિંડી, સ્ટારબક્સનું નામ લઈ ચુનો લગાવ્યો

વડોદરા: વડોદરા શહેરના નાગરિકો સાથે તાજેતરમાં એક નવો છેતરપિંડી કાંડ બન્યો છે. “Join Our Pottery and Hand-Building Workshop and Unleash Your Creativity!” નામે 24 ઑગસ્ટે સાંજે 4 થી 7 કલાક દરમિયાન, સ્ટારબક્સ સબહાનપુરા ખાતે કળાત્મક વર્કશોપ યોજાશે, એવી જાહેરાત સોશિયલ મીડિયા તથા મૌખિક પ્રચાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે પ્રતિભાગી ફી રૂપિયા 850 નક્કી કરવામાં આવી હતી અને અનેક ઉત્સાહી નાગરિકોએ ભાગ લેવા માટે ઑનલાઇન પેમેન્ટ કરી પોતાની જગ્યા ફાળવી લીધી હતી. સ્થળની વિગતો સાથેનું લિંક પણ વહેંચવામાં આવ્યું હતું. પરંતુ, કાર્યક્રમના દિવસે નાગરિકો સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને કોઈ પણ પ્રકારનો વર્કશોપ કે આયોજન જોવા મળ્યું નહીં. સ્ટારબક્સ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેમના દ્વારા આવા કોઈ કાર્યક્રમનું આયોજન જ કરવામાં આવ્યું નથી તથા તેમની કોઈ જવાબદારી નથી.

નાગરિકોને સમજાયું કે આ આખું આયોજન એક સુયોજિત છેતરપિંડી.હતી. “Pottery Vadodara” નામની કંપનીના નામે રકમ વસૂલવામાં આવી હતી. ચૂકવણી માટે નાગરિકોને આપેલો UPI આઈડી હતો: 9236094722@amazonpay.

આ ઘટનાના પરિણામે શહેરના અનેક નાગરિકો પોતાની મહેનતની કમાણી ગુમાવીને નિરાશ તથા ગુસ્સે છે. હાલ તેઓ પાસે છેતરનારાઓ સામે પગલાં લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ સવાલ એ છે કે આવા કિસ્સાઓમાં જવાબદારી કોની?

આ ઘટના વડોદરાની નાગરિક સુરક્ષા અને ઑનલાઇન પેમેન્ટની પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. એક તરફ, ઇવેન્ટનું સ્થાન અને નામ ઉપયોગ કરીને નાગરિકોમાં વિશ્વાસ જગાડવામાં આવ્યો, બીજી તરફ, જવાબદાર બ્રાન્ડ (સ્ટારબક્સ) સંપૂર્ણપણે પોતાને દૂર રાખી દે છે. પરિણામે સામાન્ય નાગરિકો વચ્ચે ગુંચવણ અને અવિશ્વાસ પેદા થયો છે.
વડોદરાની આ છેતરપીંડી માત્ર એક ઘટનાઓમાંની એક નથી, પરંતુ તે દર્શાવે છે કે શહેરમાં છેતરપીંડીના નવા કિસ્સાઓ ટેક્નોલૉજીની આડમાં વધી રહ્યા છે. તંત્ર, નાગરિક સંસ્થાઓ અને બ્રાન્ડ્સે મળીને જવાબદારી લેવાની ફરજ છે, નહીં તો આવનારા સમયમાં આવા કિસ્સાઓ વધુ વધવાની શક્યતા છે.

Most Popular

To Top